દિપાવલીના તહેવારને ધ્યાને રાખીને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તરફથી કેટલાક નિર્ણય લેવાયા છે. શહેરની માર્કેટમાં થતી ભીડને ધ્યાને લઈ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે એ માટે રસ્તા બંધ કરવાનું નક્કી થયું છે. રાજકોટ પોલીસે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. દિવાળીને તહેવાર દરમિયાન તા.1થી 5 નવેમ્બર સુધી આ જાહેરનામું લાગુ રહેશે. દિવાળી નિમિતે શહેરના મુખ્ય બજાર, મેઈન રોડ પર લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. તો સાંજે રોશની જોવા માટે નીકળે છે.
તેથી તમામ પ્રકારના વાહન જેમ કે, કાર, ઓટો, રેકડી, બાઈક વગેરેની અવરજવર માટે કેટલાક રસ્તાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ તો ઢેબરચોકથી સાંગણવા ચોક, જુની ખડપીઠથી લાખાજીરાજ બાજુ ફોરવ્હીલ તેમજ રીક્ષા તથા ટુ વ્હીલ માટે એન્ટ્રી નથી. આ રસ્તો સંપૂર્ણપણે બંધ રહેશે. સાંગણવા ચોકથી ગરેડિયા કુવારોડ થઈ પરાબજાર સુધી તમામ વાહન બંધ રહેશે. ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ, પરાબજાર પર તમામ પ્રકારના વાહન બંધ રહેશે. ઘીકાંટા, ગાંધી ચોકથી લાખાજીરાજ રોડ થઈ કંદોઈ બજાર રોડ પરથી છેક પરાબજાર સુધી વાહનો માટે રસ્તો સંપૂર્ણ રીતે બંધ રહેશે. પ્રહલાદ ટોકિઝથી દરજી બજારવાળો રસ્તો પરબજારમાં નીકળે છે.
જ્યાં તમામ પ્રકારના વાહનો માટે રસ્તો બંધ રહેશે. દેના બેન્ક ચોકથી રૈયા નાકા ટાવર સુધીનો મહાત્મા ગાંધી રોડ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. બીજી તરફ વન વે ગણાતા રસ્તા પર છૂટછાટ આપવામાં આવી છે. લુવાણાપરા વન વે મોચી બજારથી આવવા માટેની મનાઈ છે. તે બંને તરફથી આવવા જવા માટે ઉપરોકત દિવસો માટે ખુલ્લા રહેશે. લાખાજી રાજના પૂતળા પાસેથી સામેની બાજુનો રોડ કવિ નાનાલાલ માર્ગ કરણસિંહજી હાઈસ્કૂલથી આવવા માટે રસ્તો ખુલ્લો રહેશે. નવાનાકા વન વે બંને તરફથી રસ્તો ચાલું રહેશે.