પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી એક તરફ સામાન્ય જનતા ત્રસ્ત થઇ જતા ધીમે ધીમે પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળી રહી હતી. જોકે સરકારને જાણે સમાન્ય માણસની નાની બચત પર મોટી નજર પડી હોય તેમ સીએનજીમાં ભાવ વધારો ઝીકાતા હવે રીક્ષા ચાલકો પણ મેદાને ઉતર્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ચાર વર્ષથી રીક્ષા ચાલકોના ભાડામાં વધારો કરવાની માંગણી હોય પણ સરકાર મનાઈ કરતી હોય અને વધતી જતી મોંઘવારીના કારણે ઓટો રીક્ષા ચાલકોની પરિસ્થિતિ વધુને વધુ કફોડી થતી જાય છે. એવામાં રાજ્યના વિવિધ રીક્ષાચાલક મંડળ તરફથી હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે અને અમદાવાદ સહિત રાજ્યભરના રીક્ષા ચાલકોના મંડળે રાજ્ય સરકાર સમક્ષ સીએનજીના ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. જોકે હજુ સુધી સરકાર દ્વારા કોઈપણ જાતના પ્રતિભાવ નહીં મળતા દિવાળીના તહેવાર પછી સમગ્ર ગુજરાતમાં 15 લાખથી વધુ રીક્ષા ચાલકોના રીક્ષાના પૈડા થંભી જશે અને અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે.રીક્ષાચાલકોની માંગ છે કે પાછલા 4 વર્ષથી રીક્ષા ભાડામાં વધારો નથી કરવામાં આવ્યો. જેથી હાલ પ્રતિ કિલોમીટર રીક્ષાના ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવે અને ભાડું 10થી વધારી 15 રૂપિયા નક્કી કરવામાં આવે. આ ઉપરાંત લઘુતમ ભાડું 15થી વધારી 25 રૂપિયા કરવામાં આવે. સાથે જ સીએનજીના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે તેવી માંગણી કરી છે જો સરકાર તેમની માંગણી નહી સ્વીકારે અને રીક્ષા ચાલકો હડતાળ પર ઉતરી જશે તો આગામી તહેવાર દરમિયાન મુસાફરોની હાલત કફોડી થવાની ભીતિ સેવાઈ રહી છે.