છેલ્લા છ મહિનાથી દેશની પહેલી સી પ્લેન સેવા અમદાવાદ-કેવડિયા વચ્ચે બંધ છે. તેમ છતાં ગુજરાત સરકારના અધિકારીઓ આ પ્રોજેક્ટ નામથી કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડી રહ્યા છે. સી પ્લેન છેલ્લા એક વર્ષ થવા આવ્યું અને બંધ છે છતાં સરકારે સાબરમતી તથા કેવડિયામાં પશુ-પંખી તથા અન્ય અડચણથી એને બચાવવા ટેન્ડર બહાર પાડ્યું છે. જ્યાં સી પ્લેન ચાલું જ નથી ત્યાં બર્ડહિટ રોકવાનો શું અર્થ? છેલ્લા બે મહિનામાં ગુજસેલ તરફથી સી-પ્લેનને લગતા ત્રણ જેટલા મોટા ટેન્ડર બહાર પાડીને કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે.
આ સી પ્લેન ક્યારે ઉડશે એ અંગે તો સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા આયોજન ટેન્ડર બહાર પાડીને થયું છે. સર્વિસ ઑપરેટર સ્પાઈસ જેટ પણ આ મામલે મૌનવ્રત લઈને બેઠા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકોનો ધસારો વધી રહ્યો છે. દિવાળી સીઝન શરૂ થઈ રહી છે. સી પ્લેનની પૂછપરછ ટુર ઓપરેટર્સ પાસે આવી રહી છે. ગત સપ્ટેમ્બર મહિનામાં કેવડિયા ખાતે ગુજસેલ તરફથી વોટર એરોડ્રમ, વ્હીકલ રેમ્પ, લિફ્ટ જેવા અતિઆઘુનિક પાસાઓ તૈયાર કરવા માટે રૂ.2.50 કરોડનું ટેન્ડર જાહેર કરાયું હતું. જ્યારે ટેન્ડરમાં સાબરમતી અને કેવડિયામાં સી પ્લેનને પંખી, પશુ તે અન્ય વિધ્ન ન નડે, સુરક્ષા મળી રહે એ માટે કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર જાહેર કરાયું છે. ઑક્ટોબર મહિનામાં બહાર પાડેલા બીજા ટેન્ડરમાં સાબરમતી તથા કેવડિયામાં આગ કે અન્ય ડિઝાસ્ટર થાય તો રેસક્યુ બોટથી પ્રવાસીઓને બચાવવા માટે એજન્સી નિમવા ટેન્ડર જાહેર કરાયું હતું. પણ સી પ્લેન છેલ્લા છ મહિનાથી બંધ છે. સી પ્લેનને લઈને ટ્રાવેલ એસો. ઓફ ગુજરાત રાજ્યના પ્રમુખ અનુજ પાઠકે કહ્યું કે, પ્રવાસીઓ અમને અત્યારે સી પ્લેન અંગે પૂછપરછ કરે છે.
તે હાલમાં બંધ હોવાથી લોકો પણ નારાજ છે. સરકાર પાસે આ વખતેની ફેસ્ટિવલ સીઝનમાં તક હતી. સારી એવી આવક પણ થાય એમ હતી. સી પ્લેનને લઈ લોકો ઉત્સાહી છે. સ્પાઈસ જેટના સી પ્લેનને ફ્લાઈટ આપવા અને નિયમિત કરવામાં શું મુશ્કેલી છે એ અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.31 ઑક્ટોબર 2020ના રોજ સી પ્લેન સેવા શરૂ કરાવી હતી. આ તા.31 ઑક્ટોબરના રોજ એક વર્ષ પૂર્ણ થશે.