દિવાળી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. લોકો તહેવારની ઉજવણીમાં મશગુલ બન્યા છે અને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું ચુકી રહ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન લોકો એક એક શ્વાસ માટે મથી રહ્યા હતા. ઠેર-ઠેર કોરોના દર્દીઓની લાંબી કતારો તેમજ ઓક્સિજન માટેની દોડાદોડીનાં દ્રશ્યો સર્જાયા હતા. જો કે સમયસરનાં વેક્સિનેશનને કારણે હાલ કોરોના સંપૂર્ણપણે કાબુમાં છે. અને રાજ્ય સરકાર દ્વારા નિયમોનાં પાલન સાથે તહેવારો ઉજવવાની છૂટ પણ આપવામાં આવી છે. પરંતુ દુધનો દાઝેલો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે તેમ શહેરનાં ગીતાનગર-2નાં રહેવાસીઓએ કોરોના હજુ ગયો નથી તે હકીકત ધ્યાને રાખી છે. એટલું જ નહીં દિવાળીનાં તહેવારોમાં પોતાના ઘરે આવતા મહેમાનો પણ આ વાત સમજી શકે તે માટે ઘર બહાર માસ્કની તેમજ સેનેટાઈઝીંગ અનેવેક્સિનેશનની અપીલ કરતા બોર્ડ પણ આ વિસ્તારનાં રહીશોએ લગાવ્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પહેલા હાથની સફાઈ બાદમાં ઘરમાં પ્રવેશ
આ અંગે પદમાબેને કહ્યું હતું કે, હું ગુજરાત યોગ બોર્ડની કોચ છું. આ વખતે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને અમે ઘરની એન્ટ્રીમાં બોર્ડ લગાવ્યા છે. જેમાં વેક્સિન લેવી ફરજીયાત છે, હેન્ડ વોશ કરવા ફરજીયાત છે, અને માસ્ક પહેરવું પણ ખાસ જરૂરી છે. એટલું જ નહીં જો વેક્સિનનના બંને ડોઝ લીધા ન હોય તો એવા લોકોને અમે સમજાવીએ છીએ. આ વર્ષે મહેમાનો સાથે બીજી કોઈપણ ચર્ચા કરવાને બદલે યોગ – વેકસીન વિશે સમજણ આપીશું. આ વખતે મુખવાસમાં પણ ડ્રાયફ્રુટ અને ઠંડાપીણામાં લીંબુનું પાણી ઉપરાંત હળદર વાળું દૂધ સહિતની વસ્તુ આપીશું. જ્યારે નાસ્તામાં ફ્રૂટ અને ફણગાવેલા કઠોળ જેવી વસ્તુઓ આપવાનું નક્કી કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
શું સ્વજનોએ વેક્સિનેશન કરાવ્યું છે
નવા વર્ષમાં હું મહેમાનોનું સ્વાગત ખૂબ ઉત્સુકતાથી કરીશ. પરંતુ તેમની પાસેથી અપેક્ષા રાખીશ કે, તેમના મોઢા ઉપર સુંદર મજાનું માસ્ક હોય, હાથ સેનેટાઈઝ કરેલા હોય, જોકે અમારા ઘરે પણ દરેક મહેમાનો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા રાખી છે. મહેમાનોને પણ મારો સૌથી પ્રથમ સવાલ હશે કે શું આપે વેક્સિનેશન કર્યું છે? આપના પરિવાર અને સ્વજનોએ વેક્સિનેશન કરાવ્યું છે ? જો નહીં તો ટૂંક સમયમાં નજીકના કોઈ સ્થળે જઈને રસીકરણ કરાવો. જેથી ત્રીજી લહેરને રોકી શકાય.તેમ ભાવનાબેને જણાવ્યું હતું