ક્યારેક બાળક રમત રમતમાં એવું કરી બેસે છે કે, માતા પિતાને મુશ્કેલીમાં મૂકાવું પડે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. બાળકે રમતા રમતા નાકમાં દોઢ ફૂટ સુધી સ્ક્રુ નાંખી દીધો હતો. જેને ખાનગી હોસ્પિટલના તબીબોએ કોઈ પ્રકારના ઑપરેશન વગર દૂરબીનની મદદથી બહાર કાઢ્યો છે. આમ બાળકને પીડા મુક્તિ થઈ છે. ખાસ વાત એ છે કે, આ જટીલ કેસમાં કોઈ પ્રકારના વાઢકાપ શસ્ત્રક્રિયા કરવામાં આવી નથી. નાકના છીદ્રોમાંથી દૂરબીન મોકલીને મેટલ સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો હતો.
આ કેસ અંગે બાળકના પિતા રીશીભાઈ જીજુંવાડિયાએ કહ્યું કે, ત્રણ વર્ષના દીકરા શૌર્યએ રમતા રમતા નાકમાં સ્ક્રુ નાંખી દીધો હતો. પછી તરત જ સ્ક્રુ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પણ ઊંડો શ્વાસ લઈ જતા સ્ક્રુ નાકમાં ઊંડે ઊતરી ગયો હતો. પછી યુદ્ધના ધોરણે ડૉ. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ડૉ.હિમાંશુ એ તાત્કાલિક તપાસ કરીને સ્ક્રુનું લોકેશન મેળવ્યું હતું. ખ્યાલ આવ્યો કે, નાકમાં ઊંડે સુધી સ્ક્રુ ફસાઈ ગયો છે. ડૉ. ઠક્કરે કોઈ પ્રકારનો વિલંબ કર્યા વગર શૌર્યને ઑપરેશન થિએટરમા લઈ દૂરબીનથી જમણી બાજુના નાકમાં ફસાઈ ગયેલા સ્ક્રુને મિનિટમાં બહાર કાઢ્યો હતો. આ બાળકની ઉંમર ત્રણ વર્ષની છે. ખૂબ જ સાંકડી જગ્યામાં ઊંડે ફસાયેલા સ્ક્રુ સરકીને નીચે ન ઊતરી જાય અને શ્વાસ નળીમાં ફસાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. સ્ક્રુ કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળવાની પણ મુશ્કેલી ઊભી થઈ હોત.