ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ચીનમાં કોરોનાના કેસ શરૂ થયા હતા. ચીનમાં ફરી કોરોના વાયરસ સક્રિય થયો હોવાના વાવડ મળ્યા છે. ચીનમાં 100 કરોડથી વધારે નાગરિકોને કોરોના વાયરસની વેક્સીનના બંને ડોઝ લઈ લીધા છે. તેમ છતાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેના કારણે ચીનની 40 લાખની વસ્તી ધરાવતા શહેર લાનઝોઉમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. શહેરના તંત્રએ મંગળવારે જણાવ્યું હતું કે, તમામ રહેણાંક વિસ્તારમાં સંપૂર્ષ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.
કોઈને પણ ઘરની બહાર નીકળવા માટેની છૂટ આપવામાં આવી નથી. ચીનની રાજધાની બેઈજિંગમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. જેના કારણે શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કોવિડ ટેસ્ટ સેન્ટરની બહાર લોકોની લાંબી લાઈન લાગી છે. લોકો કોવિડ ટેસ્ટ કરાવી રહ્યા છે. ચીન તંત્રએ કહ્યું છે કે, કોરોના વાયરસના વધી રહેલા કેસને રોકવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે તેઓ જરૂર વગર ઘરની બહાર ન નીકળે. લાનઝોઉ શહેરના તંત્રએ પણ સ્થાનિક તંત્ર, આવાસ કોલોની તથા અન્ય સંસ્થાઓને કોવિડ અંગેના પ્રોટોકોલનું ચુસ્ત પણ પાલન કરવા માટે અપીલ કરી છે.

ચીનમાં કુલ 29 દર્દીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. જેમાં મોટાભાગના શહેરી વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ચીન સરકારનું કહેવું છે કે, ડેલ્ટા વેરિયંટના કેસ ઘણા શહેરમાંથી સામે આવ્યા છે. આ માટે ચીનમાં બહારથી આવતા લોકો જવાબદાર છે. બે દિવસ પહેલા ચીન નેશનલ હેલ્થ કમિશને એલાન કર્યું હતું કે, 224 કરોડથી પણ વધારે કોરોનાની વેક્સીન લોકોને આપી દેવામાં આવી છે. વેક્સીનેશન અભિયાન ચીનમાં પૂર્ણ થવાના આરે છે. પણ બીજી તરફ કોરોના વાયરસના વધી રહેલા કેસે તંત્રની ચિંતામાં એકાએક વધારો કર્યો છે.
ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ચીનમાંથી કોરોના વાયરસના કેસ દુનિયાભરમાં ફેલાયા હતા. ચીનના વુહાન શહેરમાં આવેલી માંસ માર્કેટમાંથી આ કોરોના ફેલાયો હોવાનું માનવામાં આવે છે. પણ અન્ય શહેરમાં વધી રહેલા કેસને લઈને ટેસ્ટિંગનું કામ પણ વધારી દેવામાં આવ્યું છે. બીજી તરફ હેલ્થ ઓથોરિટી દાવો કરે છે એ પ્રમાણે મોટાભાગના લોકોનું વેક્સીનેશન થઈ ગયું હોવા છતાં સંક્રમણ કેવી રીતે ફેલાય છે એ પ્રશ્ન પણ ચીનમાં ચર્ચામાં છે.