દિવાળીના તહેવારોને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વતન તરફ જતા પ્રવાસીઓની ભીડ દિવસે દિવસે વધી રહી છે. સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં અત્યારથી જ એસટી બસસ્ટેન્ડમાં પરપ્રાંતીયોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં કામ કરતા મજૂર, કારીગર તથા એમના પરિવારો વતનમાં જવા માટે બસની રાહ જોતા જોવા મળ્યા હતા. એસટી બસપોર્ટ ખાતે લોકોની ભીડ જોવા મળી હતી. પોતાના વતનમાં દિવાળીનો તહેવાર ઉજવવા માટે પરપ્રાંતીય લોકો અત્યારથી રવાના થઈ રહ્યા છે. ખાસ દાહોદ-ઝાલોર અને રાજસ્થાન-મધ્યપ્રદેશની બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્રના રૂટિન પર્યટન સ્થળ પર દિવાળીના તહેવારોમાં એકસ્ટ્રા રૂટ શરૂ કરાશે. ગુજરાતથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની ટ્રીપ વધારી દેવાઈ છે. ટ્રાફિકના ધસારાને ધ્યાને લઇને ધાર્મિક સ્થળોએ પણ ખાસ બસ મુકાશે. દક્ષિણ ગુજરાતના નવસારી અને સુરત તરફના ટ્રાફિકને જોઈને બસ સેવા માટે વધારાની બસ મુકાશે. દિવાળીનો તહેવાર નજીક આવતા વતનથી દૂર કામ હેતું આવેલા પરપ્રાંતિયો, કારીગરો તેમજ શ્રમિક પરિવાર પોતાના ઘરે દિવાળી કરવા માટે જતા હોય છે. આ માટે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પર અન્ય પ્રાંતમાંથી આવેલા લોકોની ભીડ જોવા મળી રહી છે. આ સાથે અન્ય પ્રવાસીઓથી પણ તે ધમધમી રહ્યું છે. તા.28 ઑક્ટોબરથી વધારાની બસ મૂકવામાં આવશે એવું એલાન કરાયું હતું.