વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ પર વિશ્વની નવમી અને ભારતમાં ચોથી અને ગુજરાતની પ્રથમ હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટનો શુભારંભ થયો છે. વિશ્વમાં માત્ર આવી નવ જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર મહેબૂબ મુકીએ જણાવ્યું હતું કે વિશ્વમાં ન્યૂઝીલેન્ડમાં શહેર ટાઉપો, ઘાનાની રાજધાનીનું શહેર આક્રા, પંજાબના લુધિયાણા, હરિયાણાના મોરી સહિતનાં દુનિયાનાં આઠ એવાં શહેરોમાં આવી એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે.
102 વ્યક્તિ ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા
હવે વડોદરા તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે. રિયલ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જે પ્રકારે સુવિધાઓ હોય છે એવી અહીં પણ આપવામાં આવી છે. 102 વ્યક્તિ એકસાથે બેસી ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઈટાલિયન, મેક્સિકન અને થાઈ ફૂડની મજા પરિવાર સાથે માણી શકાશે. હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઇવે બાયપાસ રોડ પર આવેલી હોવાને કારણે મોડી રાત્રિ સુધી ભોજનનો સ્વાદ માણી શકાશે. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે તેમને આ રેસ્ટોરન્ટ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. તેમણે આ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અચાનક જ કોરોના મહામારી આવવાને કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઘણો સમય વીતી ગયો, જેને કારણે એનો શુભારંભ કરવામાં વિલંબ થયો હતો.