દીપાવલીના શુભ તહેવારમાં પણ આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દીપાવલી મહાપર્વની શરૂઆત થશે. જ્યોતિષ શાસ્ત્રીના મતે આ વર્ષે ચૌદશની તિથિનો ક્ષય હોવાને કારણે સોમવારે 1 નવેમ્બરે રમા એકાદશી અને વાઘબારસ મનાવાશે. જ્યારે મંગળવારે તારીખ 2 નવેમ્બરે દિવસે સવારે 11.31 સુધી વાઘબારસની તિથિ છે અને ત્યારબાદ તેરસની તિથિ છે. આમ તેરસનું મહત્ત્વ સાંજના પ્રદોષકાળે હોવાથી મંગળવારે બારસના દિવસે જ ધનતેરસ મનાવાશે.
તારીખ 3 નવેમ્બરને બુધવારે સવારે 9.02 સુધી જ તેરસની તિથિ છે અને તેરસના દિવસે જ ચૌદશની તિથિ બેસી જાય છે. ચૌદશની તિથિનો ક્ષય હોવાથી બુધવારે તેરસના દિવસે જ કાળીચૌદશ મનાવાશે. જ્યારે દિવાળી તારીખ 4 નવેમ્બરને ગુરુવારે અમાસના દિવસે જ મનાવાશે. દિવાળીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરની બજારોમાં પણ રોશનીનો ઝગમગાટ અને લોકોની ખરીદી નીકળી છે.
28મીએ પુષ્ય નક્ષત્રઃ ખરીદી માટે શ્રેષ્ઠ યોગ
આસો વદ-7ને તારીખ 28ને ગુરુવારે પુષ્યામૃત યોગ છે. સવારે 9.42થી પ્રારંભ થતા આ શુભ યોગમાં સોના-ચાંદી, વાહન ખરીદી, પૂજન માટેના ચોપડાની ખરીદી માટે શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે. દિવાળી પહેલા જ હાલ બજારમાં રોનક અને રોશનીનો ઝગમગાટ છવાયો છે ત્યારે દિવાળી પહેલા જ આવતા આ યોગમાં લોકોને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવાનો શ્રેષ્ઠ અવસર મળશે.
તિથિ- તહેવાર
1 નવેમ્બર : રમાએકાદશી અને વાઘબારસ 2 નવેમ્બર : વાઘબારસ અને ધનતેરસ 3 નવેમ્બર : ધનતેરસ અને કાળીચૌદશ 4 નવેમ્બર : દિવાળી મહાપર્વ