કાશ્મીરમાં થયેલા વરસાદ અને દેશના અન્ય ભાગોમાં પડી રહેલા વરસાદની એક અસર પશ્ચિમી રાજ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. વહેલી સવારે શિયાળા જેવી ટાઢક, બપોરે ગરમી અને સાંજે સુસવાટા મારતા ઠંડા પવનો શરૂ થઈ ગયા છે. શિયાળાની ધીમે ધીમે પા પા પગલી થઈ રહી છે. ગુજરાતના વાતાવરણમાં પણ અસર જોવા મળી રહી છે. સોમવારે અરવલ્લી ડાંગ અને દાહોદ જિલ્લામાં માવઠું થયા બાદ ગરમીનો પારો નીચે ઊતર્યો છે. ગુજરાતના આંગણે શિયાળાની સીઝન ટકોરા મારતી હોય તેવો માહોલ છે. ઋતુ પરિવર્તનના એંધાણ છેલ્લા એકાદ સપ્તાહથી મળી રહ્યા છે. સંધ્યા વહેલી ઢળી રહી છે. જેના કારણે છ વાગ્યા બાદ એકાએક અંધારૂ થઈ જાય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે અને મોડી સાંજથી વહેલી સવાર સુધી ફુલગુલાબી વાતાવરણ લોકો અનુભવી રહ્યા છે.
રાજ્યના ચાર શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સમગ્ર રાયમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 18.6 ડિગ્રી નોંધાયું છે. મહત્તમ તાપમાન મહુવામાં 19.3 રહ્યું છે. જ્યારે કેશોદમાં 19.6 અને ડીસામાં 19.9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. પવનની દિશા પણ છેલ્લા થોડા દિવસોથી બદલાય છે. પાછા ફરતા મૌસમી પવનો શરૂ થઈ ગયા છે. જેના કારણે ઠંડક અનુભવાઈ રહી છે. હવે ઉત્તર દિશામાંથી સૂકા પવનો ફકાઈ રહ્યા હોવાથી, વરસાદ અને હિમવર્ષાનો વધુ એક રાઉન્ડ થશે તેવી શકયતાના કારણે આગામી દિવસોમાં લઘુતમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરશે. આવનારા એક અઠવાડિયામાં સાલ ટોપી અને સ્વેટર કાઢવા પડે એવી ઠંડી પડવાની પૂરી શક્યાતાઓ છે.