ખેડા જિલ્લાના મહુધા પંથકમાં મંગળવારે મોડી રાત્રે જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા છે. અજાણ્યા ટ્રેલરે ઈકો કારને દમદાર ટક્કર મારી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી. રસ્તાની સાઈડમાં કાર પલટી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું. જ્યારે બેના નડિયાદ સિવિલ તથા એકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે બે વ્યક્તિની હજુ સારવાર નડિયાદ સિવિલમાં ચાલું છે. આ તમામ લોકો મહિસાગર જિલ્લાના સંતરામપુરના વતની હોવાનું જાણવા મળ્યું છે. જેઓ મેલડી માતાનાં દર્શન કરવા જતા હતા.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
મંગળવાર ભરવા માટે સંતરામપુરથી આણંદ પાસેના મલાજત ગામે મેલડી માતાજીના દર્શન કરવા માટે નીકળ્યા હતા. ડ્રાઈવર જિતુભાઈ ભૂલાભાઈ ભોઈની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. મૃકતોમાં સુરેશભાઈ અંબાલાલ ભોઈ, સંજયભાઈ અરજણભાઈ બારૈયા, રાજુભાઈ શનાભાઈ ભોઈ, સંજયભાઈ દિલીપભાઈ ભોઈનો સમાવેશ થાય છે. જેઓ સંતરામપુરમાં રહેતા હતા. જિતુભાઈ ભૂલાભાઈ ભોઈ અને આકાશ અશોકભાઈ દેવડાની સારવાર ચાલું છે.
મહુધા પોલીસે ઘટના સ્થળે જઈને ટ્રેલર ડ્રાઈવરની ભાળ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહુધાના એક પરિવાર માટે મંગળવાર અમંગળ પુરવાર થયો છે. મહુધા હાઈવે પરથી પસાર થતી ઈકો કાર GJ17-AH-0158 નડિયાદ બાજુ આવી રહી હતી. એ સમયે સામેથી પુરપાટ વેગે આવી રહેલા ટ્રેલરે રાતના અંધારામાં જોરદાર ટક્કર મારી દીધી હતી.જેના કારણે કાર રસ્તા પર ફંગોળાઈને કિનારે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા. કારમાંથી કુલ 6 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું ત્યાં જ મોત થયું હતું. કુલ ચાર વ્યક્તિ આ અકસ્માતમાં મોતને ભેટતા ફરી એક વખત રાજ્યના હાઈવે જાણે મોતના હાઈવે બની રહ્યા હોય એવું ચિત્ર સ્પષ્ટ થયું છે. આ ઘટનાને કારણે ભોઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર પરિવાર ચાર વ્યક્તિના અકાળે મોતથી ચોધાર આસું પાડી રહ્યા છે. ઈકો કારના ચાલકે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ મહિસાગર જિલ્લાના સંતરામપુરના રહેવાસી છે.