બંગલા દેશમાં ત્રણ દિવસમાં જુદા-જુદા વિસ્તારોમાં થયેલી કોમીહિંસામાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૭૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓનાં આશરે ૭૦ જેટલાં પૂજાસ્થળો, ૩૦ ઘરો અને ૫૦ દુકાનો પર હુમલા કરીને તોડફોડ-લૂંટ મચાવવામાં આવી હોવાનો આરોપ સ્થાનિક હિન્દુ સંગઠનોએ કર્યો છે.
કુલ 20 મકાન બળીને ખાખ થઈ ગયા છે. પંડાલો પર થયેલા હુમલાને ત્યાંના ગૃહ મંત્રીએ પૂર્વ આયોજિત ગણાવ્યો છે. જમાતે ઇસ્લામ સંગઠને આ કર્યું હોવાના રિપોર્ટ છે. હિન્દુ મંદિરમાં તોડફોડ અને લૂંટ મામલે બંગલા દેશના કિશોરગંજમાંથી ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એમાં એક આરોપી ઇમામ હોવાના અહેવાલ છે.
પોલીસ દ્વારા જણાવ્યા પ્રમાણે 22 વર્ષના ઇમામ મામુનુર રશિદ, 15 અને 16 વરસના બે કિશોર તેમ જ 50 વર્ષના કાફિલ ઉદ્દીનની ધરપકડ કરવામાં આવી છે. કદીમ માઇઝાતી વિસ્તારમાં આવેલા કાળી મંદિરમાં શુક્રવારે હિંસા ફાટી નીકળી હતી. અહેવાલો પ્રમાણે મંદિરમાં પાંચ મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસનું કહેવું છે કે આ હુમલાની આગેવાની રશિદે કરી હતી. મંદિરના ઉપ-પ્રમુખ બિરેન્દ્રચંદ્ર બોર્મને શુક્રવારે રાતે 8 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય 35 અજાણી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.