નડિયાદમાં રહેતા અરૂણ પ્રજાપતિ નામના આધેડ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અરૂણભાઈને મગજમાં ગાંઠ થતાં તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના પરિવારના સભ્યોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા. તેમના પરિવારના સભ્યોની મંજુરી બાદ આધેડના હૃદય અને ફેંફસાનું દાન મેળવી ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે મોકલમાં આવ્યા છે.
તેમના બંને ફેંફસા અને હૃદયનું દાન આપવા તેમના પરિવારના સભ્યોને સમજાવી લેવામાં હોસ્પિટલના સત્તાવાળાઓને સફળતા મળી હતી. તેમની બંને કીડની અને બંને હાથ પણ દાનમાં મળ્યા હતા.
મૃતક અરૂણભાઈના બંને હાથ મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જયપુરના 22 વર્ષના યુવાન માટે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે હૃદય અને ફેંફસા ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઈ મોકલવામાં આવ્યા હોવાનું સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું.
તેમની બંને કીડનીઓ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ આવેલી કીડની હોસ્પિટલમાં જરૂરિયાત મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલી આપવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે રિટ્રાઈવલ સેન્ટરને મંજૂરી મળ્યાને આજે 300 દિવસ થયા છે. 300 દિવસમાં 14 બ્રેઈન ડેડ વ્યક્તિઓના અવયવો લઈને 38 વ્યક્તિઓને નવજીવન આપવામાં આવ્યું છે .
14 બ્રેઈન ડેડ વ્યક્તિઓના 50 અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું છે .તેમાં 14 લીવર, 25 કીડની, 4 સ્વાદુપિંડ, 3 હૃદય, 2 હાથ અને 2 ફેંફસાનો સમાવેશ થાય છે. તેનાથી 38 દર્દીઓના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે.