શુભ મુહૂર્ત દશેરામાં અમદાવાદીઓએ મોટી ખરીદી કરવામાં ડંકો વગાડ્યો છે. કુલ 1900 કાર અને 5500 ટુ વ્હીલરની દશેરાના દિવસે ખરીદી કરી હતી. ગુજરાતભરમાં 19500 ટુ વ્હીલર અને 6800 કારની ડિલિવરી થઈ હતી. આ એક રીપોર્ટમાંથી સામે આવ્યું છે. મોટા પ્રમાણમાં વાહનોની ખરીદી થતા કાર અને બાઈક ડીલરોમાં દિવાળી જેવો આનંદ જોવા મળતો હતો. કોરોના પછી મંદી અને પેટ્રોલ- ડીઝલના સતત વધતા ભાવને કારણે અનેક મોટા એકમો જોખમમાં જીવી રહ્યા હતા. ઓટો સેક્ટરમાં તેજી દેખાતા ડીલર્સ પ્રસન્ન થયા છે. ગત દશેરાની તુલનામાં ચાલુ વર્ષે દસેક ટકા વાહનોનું વેચાણ ઘટ્યું હોવાનું ઓટોમોબાઇલ ડીલરો જણાવી રહ્યા છે. હજુ કોલેજો શરૂ નહીં થઇ હોવાના કારણે અને ઘણી જગ્યાએ વર્ક ફ્રોમ હોમ ચાલતું હોવાની અસર પણ વાહનોની ખરીદી પર પડી રહી છે.
દશેરાના દિવસે રાજ્યભરમાં થયેલા વાહનોના વેચાણ અંગે માહિતી આપતા ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન(FADA)ના ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્યું હતું કે કોરોના બાદ ધીરે-ધીરે વેપાર ધંધા ઉદ્યોગો સેટ થઈ રહ્યા છે. લોકો વાહનોની ખરીદી પણ કરતા થયા છે. જે સારી બાબત છે. દશેરાના શુભ મુહૂર્તમાં અમદાવાદ અને રાજ્યભરમાં સારા પ્રમાણમાં વાહનોની ખરીદી થઈ છે. જોકે, મંદીનો માર, પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ, વર્ક ફ્રોમ હોમ અને કોલેજો બંધ હોવાને કારણે ડીલરોને જેટલી અપેક્ષા હતી એટલું વેચાણ થયું નથી. ગત વર્ષે દશેરાના દિવસે જે વેચાણ થયું હતું. તેના કરતાં ચાલુ વર્ષે વેચાણમાં 10 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે દશેરામાં 2000 કરતાં વધુ કાર તથા 6000 કરતા વધારે ટુ વ્હીલર વેચાણ થયું હતું.