સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર અને અંડર-19ના પૂર્વ કેપ્ટન અવિ બારોટનું 29 વર્ષની વયે હ્રદયરોગના હુમલાથી અમદાવાદમાં નિધન થયું છે. અવિ બારોટ 2019-20માં રણજી ટ્રોફી વિજેતા ટીમનો ખેલાડી રહ્યો હતો. અવિ બારોટ ગુજરાત તેમજ હરિયાણા તરફથી રમ્યો હતો.
શુક્રવારે અવિ બારોટની અમદાવાદ સ્થિત ઘરે તબિયત લથડી હતી અને કાર્ડિયાક એરેસ્ટ થતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. દુર્ભાગ્યપૂર્ણ રીતે રસ્તામાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અવિ તેની પાછળ તેની માતા અને ગર્ભવતિ પત્નીને વિલાપ કરતો છોડી ગયો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે, અવિને શુક્રવારે તેના ઘરે હ્રદયરોગનો હુમલો આવ્યો હતો અને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેનું અવસાન થયું હતું. તે એક જીવંત યુવાન હતો અને તેના કૌશલ્યને જોતા હું તેને હરિયાણાથી સૌરાષ્ટ્રમાં લઈ આવ્યો હતો. સૌરાષ્ટ્ર તરફથી તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી શરૂ કરી હતી. અવિના પિતાનું 42 વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું