સમગ્ર સૌરાષ્ટ્રમાં દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દશેરાએ તમામ બજારોમાં અનેરો ચળકાટ જોવા મળ્યો છે. એ પછી ગાંઠીયા, ફરસાણ, જલેબીની વાત હોય કે પછી નવા વાહનો છોડાવવાની વાત હોય. આજના શુભ દિવસે સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાના ગાંઠીયા, જલેબી અને મીઠાઈની ખરીદી કરી હતી. તો બીજી તરફ આજના દિવસે વિજય મુહૂર્તમાં અસંખ્ય નવા વાહનો છુટ્યાં હતાં.
દશેરાના દિવસની ઉજવણી અસુરી શક્તિઓ ઉપર દૈવિ શક્તિના વિજયના પ્રતિકના રૂપમાં માનવામાં આવે છે. તેમજ આ સાથે જોડાયેલી કથા પ્રમાણે વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યાંની પ્રજાને રાવણના જુલ્મમાંથી મુક્તિ અપાવી હતી. ત્યારે આજના આ પવિત્ર દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે ગાંઠીયા, જલેબી ખાવાનું મહત્વ વધારે જોવા મળે છે.
દશેરાના દિવસે વ્હેલી સવારથી જ ફરસાણની દુકાનોમાં ગાંઠીયા અને જલેબીના તાવડા જોવા મળ્યાં છે. આ વર્ષે ગાંઠીયા જલેબીના ભાવોમાં પણ 20થી 25 ટકાનો વધારો થયો છે. પરંતુ સૌરાષ્ટ્રની પ્રજાએ આ તમામ ભાવવધારાને અવગણીને કરોડો રૂપિયાના ગાંઠીયા, જલેબી તેમજ અન્ય મીઠાઈની ખરીદી કરી હતી. તો બીજી તરફ આજના દિવસે સોના-ચાંદીની વસ્તુઓની ખરીદી કરવી તે શુભ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આવેલી તમામ સોની બજારોમાં મોટા પ્રમાણમાં લોકોએ સોનાની ખરીદી કરી હતી.
આ ઉપરાંત વાહનોનાં શો-રૂમમાં વહેલી સવારથી બાઈક, સ્કુટર, મોપેડ, કાર, રીક્ષા લેવા માટે રીતસરની લોકોએ પડાપડી લગાવી હતી. અનેક શો-રૂમમાં તો વાહનો નહીં હોવાથી ગ્રાહકોને બે દિવસ પછીની ડીલીવરી લેવા માટે આજીજી કરવી પડી હતી.