ક્યારેક સમાજમાંથી એક એવી અસાધારણ ઘટના બને છે જે સામે આવતા ઘડીકમાં માન્યમાં નથી આવતી. પણ સાયન્સ અને ટેકનોલોજીના પ્રતાપે ઘણી અશક્ય વસ્તુઓ હવે શક્ય થઈ રહી છે. આવી જ એક ઘટના બની કચ્છ જિલ્લામાં. જ્યાં એક મહિલાએ લગ્નના 45 વર્ષ બાદ 70 વર્ષે સંતાનને જન્મ આપ્યો છે. કચ્છ પાસેના રાપર તાલુકાના મોરા ગામનાં 70 વર્ષનાં મહિલા જીવુબેન રબારીના લગ્નને 45 વર્ષ થયા છે. એ પછી તેમણે ટેસ્ટટ્યૂબ થકી એક બાળકને જન્મ આપ્યો છે. 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી સંતાન માટે ઝંખતાં હતાં.
કચ્છના ભુજની એક ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની ટીમે જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ ચાલું કરી હતી. જેના થકી માતા બનવાની મનોકામના મહિલાની પૂરી થઈ છે. પોતે આ ઉંમરે પિતા બનતાં દંપતિએ પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. દંપતિને ત્યાં પુત્રનો જન્મ થતા એનું નામ લાલો રાખવામાં આવ્યું છે.
IVF અને સરોગસી એકબીજાથી જુદા છે?
તબીબી નિષ્ણાતના મતે આઇવીએફ અને સરોગસી બંને એકબીજાથી ઘણા પાસાઓ પર અલગ છે. IVFમાં ગર્ભાધાન એક લેબમાં થાય છે, તબીબોના નિરિક્ષણ વચ્ચે આ પ્રક્રિયા થાય છે. એ પછી એને માતાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે. સરોગસીના કેસમાં લેબમાં કૃત્રિમ પદ્ધતિથી તૈયાર થયેલા ગર્ભને કોઈ બીજી કોઈ મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે. અહીં મૂળ માતા કરતા વ્યક્તિ બદલે છે. ટૂંકમાં જન્મ દેનારી જનની અલગ અને પાલન પોષણ કરનારી વ્યક્તિ અલગ હોય છે, જોકે આમાં શુક્રાણુ અને અંડ બંને માતા-પિતાના જ હોય છે.