પતિની છરીના 32 ઘા ઝીકી હત્યા કરવાની ઘટનામાં છેલ્લા 10 વર્ષથી સજા કાપી રહેલી પત્નીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે હત્યાના કેસમાં એક મોટો અને મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. સુનાવણી કરવામાં આવી હતી. પતિની હત્યા કરી હોવાની કબુલાત મહિલાએ કરી લીધી હતી. આ મામલે થયેલી ફરિયાદના આધારે આજીવન જેલની સજા થઈ હતી.પણ પત્ની સામેના આરોપો અંગે ગુજરાત હાઈકોર્ટે ચોક્કસ પુરાવાના અભાવે પત્નીની તરફેણમાં ચૂકાદો આપી દીધો છે. છેલ્લા એક દાયકાથી આ કેસમાં સજા કાપી રહેલી મહિલા હવે જેલમાંથી મુક્ત થશે.
વર્ષ 2011માં કચ્છ જિલ્લાના ભૂજમાં પત્નીએ ઘર કંકાસથી કંટાળીને પોતાના પતિને છરીના 32 ઘા મારી દીધા હતા. જે અંગે મૃતકની પત્ની સામે ફરિયાદ થઈ હતી. ભૂજ સેશન્સ કોર્ટે પત્ની પાસેથી મળેલી છરી તથા કપડાં પરના ડાઘને ધ્યાને લઈને સુનાવણી કરી હતી. પોલીસ તરફથી પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મહિલાએ પતિની હત્યા કરી હોવાની કબુલાત પોલીસ સ્ટેશનમાં કરી લીધી છે. જેના આધારે સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સેશન્સ કોર્ટના ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો. જોકે, હાઈકોર્ટે આ અંગે કેસમાં પુરાવાઓની કડી ન હોવાનું નોંધી લીધું હતું. આ બાબતે પત્નીનો કેસ લડી રહેલા વકીલ દીપીકા બાજપાઈએ કહ્યું કે, પત્ની સામે લાગેલા આરોપ સાબિત કરવા માટેની કોઈ કડી મળી ન હતી. જેને લઈને એક દાયકાની સજા કાપી લીધા બાદ 50 વર્ષની મહિલાને નિર્દોષ મુક્ત કરવામાં આવી છે. જોકે, આ સમગ્ર કેસની ચર્ચા કચ્છમાં થઈ રહી છે. મહિલાએ પતિને છરીના 32 ઘા મારીને મોતને ઘાટ ઊતારી દીઘા હોવાનો આરોપ હતો.