ગુજરાતમાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થયા બાદ હવે અમદાવાદ દિલ્હીને બુલેટ ટ્રેનથી જોડવા પગલાં લેવાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેનને લીલીઝંડી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માટે 886 કિમીની રેલ્વે લાઈન 4 વર્ષમાં નાખી ટ્રાયલ ઑપરેશન શરૂ કરી દેવામાં આવશે.એવું માનવામાં આવી રહ્યું છે. 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનાર બુલેટ ટ્રેનનાં કુલ 15 સ્ટેશનો હશે. જેમાં 3 સ્ટેશન ગુજરાતમાં હશે. સૌથી વધારે સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં રહેશે.
ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરમાં બુલેટ ટ્રેનનાં સ્ટેશન હશે. હાલમાં બુલેટ ટ્રેન માટે સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં હેલિકોપ્ટર અને ડ્રોનનો સહારો લેવામાં આવી રહ્યો છે. ગુજરાતના ચાર જિલ્લામાંથી બુલેટ ટ્રેનની લાઈન પસાર થશે. જેથી દિલ્હી જતા પ્રવાસીઓને સરળતા પડશે.
અમદાવાદથી દિલ્હી બુલેટ ટ્રેન અમદાવાદ, ગાંધનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થશે. આ ચાર જિલ્લાઓમાં જમીન સંપાદન માટે કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓને સર્વેની કામગીરી સોંપી છે. અરવલ્લીના ભિલોડા સહિતના વિસ્તારોમાં હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચાર જિલ્લાના 70 ગામમાંથી બુલેટ ટ્રેનની લાઈન નીકળશે. બુલેટ ટ્રેન માટે આ ચારેય જિલ્લાઓમાં 132.68 કિમીની રેલવે લાઈન નખાશે. જેમાંથી સાબરકાંઠાના 31 ગામો અને અરવલ્લીના 19 ગામોમાંથી બુલેટ ટ્રેનની લાઈન પસાર થશે. અને રાજ્યમાં સૌથી વધુ 56.78 કિમીની લાઈન સાબરકાંઠામાં નાખવામાં આવશે. અમદાવાદથી દિલ્હી વચ્ચેની બુલેટ ટ્રેનમાં 15 સ્ટેશન હશે. જેમાં ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર હિંમતનગર સ્ટેશન હશે. જ્યારે સૌથી વધારે સ્ટેશન રાજસ્થાનમાં હશે.