રાજ્યમાં મોંઘવારીને કારણે પ્રજાની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. રાજકોટના વૉર્ડ નં.13માં શહેર કોંગ્રેસ તરફથી એક અનોખો વિરોધ સત્તાધીશો સામે કરવામાં આવ્યો હતો. અત્યારે નોરતાનો તહેવાર ચાલી રહ્યો છે. એવામાં મોંઘવારી લોકોના ખિસ્સા ફાડી રહ્યો છે. આ માહોલ વચ્ચે મોંઘવારીને લઈને કોંગ્રેસ તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજકોટ મહિલા કોંગ્રેસે રસ્તા વચ્ચે ગેસ સિલિન્ડર એક બાજુ મૂકીને લાકડાથી ચૂલો પ્રગટાવીને શાક બનાવ્યું હતુ. રસ્તા વચ્ચે રસોઈ કરવાની શરૂ કરી હતી.
આ ઉપરાંત કોંગ્રેસની મહિલાઓએ મોંઘવારીના વિરોધમાં ભાજપ કેન્દ્ર સરકાર સામે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. લીબું મરચાના હાર પહેરીને ગરબે રમી હતી. મહિલા કોંગ્રેસ તરથી રાજ્યના આઠ મહાનગરમાં નોરતા દરમિયાન મોંઘવારીનો વિરોધ કરવા મોંઘવારીના ગરબાનું આયોજન કર્યું હતું. રાજકોટમાં આંબેડકર ચોકમાં વૉર્ડ નં.13માં કોંગ્રેસ કાર્યાલયની બાજું સરોજબેન રાઠોડને ત્યાં કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ ગેસ, તેલ, પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મહિલાએ ગેસના બાટલાનું કટઆઉટ પહેરીને વિરોધ કર્યો છે. આ ઉપરાંત ભાજપ તેરે અચ્છે દિન જનતા તેરે બુરે દિન એવા સુત્રોચ્ચાર કરી નારેબાજી કરી હતી. રસ્તા વચ્ચે લાકડાના ચુલા પર રસોઈ કરવામાં આવી હતી. માત્ર ગેસ જ નહીં પેટ્રોલ ડીઝલ અને સિંગતેલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. એ સમયે કોંગ્રેસે રાજ્યના મહાનગરમાં વિરોધ કરવાનું શરૂ કર્યું છે. તેલના ડબ્બા,ગેસના બાટલાને ફૂલહાર કરી તેની ફરતી બાજુ,ગળે શાકભાજીના હાર પહેરી ઢોલના તાલે મહિલાઓએ ગરબા લીધા છે. પેટ્રોલ ડીઝલની સાથોસાથ ગેસ અને તેલના ભાવમાં વધારો થતા ખરા અર્થમાં છેલ્લા ત્રણ મહિનાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
કોંગ્રેસની આ મહિલાઓએ જણાવ્યું મોંઘવારી એટલી હદે બેફામ વધી છે કે લોકોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. દરેક ચીજવસ્તુના ભાવ બેહદ વધી રહ્યા છે. મોંઘવારી કુદરતી સંજોગો કે તંગીથી નહીં પણ ભાજપ સરકારના ઉંચા કરવેરાના કારણે વધી છે. જે માટે કેન્દ્ર સરકાર સીધી રીતે જવાબદાર છે. ગુજરાત રાજ્યમાં મોંઘવારીનું ચિત્ર દરેક વર્ગને માઠી અસર કરી રહ્યું છે. કેન્દ્રમાં મનમોહનસિંહના શાસન વખતે ક્રૂડ આથી પણ વધુ મોંઘુ હતું છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ આટલે હદે વધ્યા ન હતા