નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. શક્તિની ઉપાસના કરવામાં આવી રહી છે. એવામાં સમાજમાંથી કેટલીક એવી ઘટનાઓ સામે આવે છે જે હચમચાવી મૂકે છે. વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલા ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા માતા પુત્રીના શંકાસ્પદ મોત નીપજ્યા છે. મા દીકરી ગરબા રમીને પરત ફર્યા હતા. એ પછી આ ઘટના સામે આવી છે. મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે. પોલીસને આ કેસમાં હત્યા થઈ હોવાની આશંકા છે. પોલીસે એના પતિની ધરપકડ કરીને પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે.

પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા 36 વર્ષના શોભનાબેન પટેલ તથા એની છ વર્ષની દીકરી કાવ્યા તેજસ પટેલ નોરતામાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યા આસપાસ ઘરે આવ્યા હતા. એ પછી બંનેની તબિયત બગડતા પતિ બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું લઈ ગયો હતો. જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા છે. આ રીતે શંકાસ્પદ મોતને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલે પોલીસે તપાસ ચાલું કરી દીધી છે. બંનેના મૃતદેહને સયાજીગંજ હોસ્પિટલમાં મોકલી દેવાયા છે. મહિલાના ગળા પર ઈજાના નિશાન દેખાયા છે. જ્યારે છોકરીને પ્રવાહી પીવડાવવામાં આવ્યું હોવાનું પોલીસ માની રહી છે. જ્યારે બંનેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા ત્યારે રાત્રના અઢી વાગ્યા હતા. રાત્રીના 12થી 2.30 વાગ્યા સુધીમાં કંઈક થયું હોવું જોઈએ. પોલીસે એના પતિ તેજસ પટેલની ધરપકડ કરી કાયદેસરના પગલાં લઈ રહી છે. SP ભરત રાઠોડે જણાવ્યું હતું કે, મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહે છે.
ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે કામ કરી રહ્યો છે. હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ ચાલું કરી દીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચું કારણ જાણવા મળશે