આવનારા દિવસોમાં દિલ્લી સહીત દેશના ઘણા ભાગોમાં વિજસંકટ ઘેરૂ બની શકે છે. પાવર પ્લાન્ટને ચલાવવા માટે પુરતા પ્રમાણમાં કોલસાનો સ્ટોક નથી. જેના કારણે વીજ ઉત્પાદન ઉપર અસર પડી શકે છે.
સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટિ ઓથોરીટીએ 7 ઓક્ટોબરના રોજ ભારતના પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેના રિપોર્ટ પ્રમાણે દેશના કુલ 135 પાવર પ્લાન્ટ્સમાંથી 110માં કોલસાનો પુરતો સ્ટોક નથી.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ભારતના 135 પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો જેટલો સ્ટોક હોવો જોઈએ તેના કરતા 19 ટકા સ્ટોક જ હાજરમાં છે. જો ડિટેઈલમાં વાત કરવામાં આવે તો તેમાંથી 16 પાવર પ્લાન્ટ્સમાં એક દિવસ ચાલે તેટલો પણ કોલસાનો સ્ટોક નથી. તો માત્ર 30 પાવર પ્લાન્ટ્સમાં 1 દિવસ ચાલે તેટલો કોલસાનો સ્ટોક બચ્યો છે. 18 પાવર પ્લાન્ટ્સમાં બે દિવસ, 19માં 3 દિવસ અને 9 પાવર પ્લાન્ટ્સમાં 4 દિવસનો જ સ્ટોક બચ્યો છે. દેશના 6 પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો પાંચ દિવસનો અને 10 પ્લાન્ટ્સમાં 6 દિવસનો કોલસો બચેલો મળ્યો છે. દેશના 1 પાવર પ્લાન્ટ્સમાં 7 દિવસ અને 1માં 8 દિવસ ચાલે તેટલો કોલસાનો સ્ટોક દેખાયો છે.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જે 110 પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક સામાન્યથી ઓછો સામે આવ્યો તેમાં 10 પ્લાન્ટ એવા છે જેણે જૂના બિલોની ચુકવણી કરી નથી. તેના કારણે તેની સપ્લાય રોકી દેવામાં આવી છે. તો 57 પ્લાન્ટ્સ એવા છે કે જેણે સમય પહેલા જ સમગ્ર ચુકવણી કરી દીધી છે. તે બાદ પણ કોલ ઈન્ડિયાની સહયોગી કંપની જેવી કે, CCL, WCL, MCL, SECL, SSCLએ ચુકવણી બાદ પણ ઓછી સપ્લાઈ કરી હતી.
રિપોર્ટમાં 12 પ્લાન્ટ એવા મળી આવ્યાં કે જેણે ઓછી રકમની ચુકવણી કરી હતી. તેના કારણે તેને કોલસાની સપ્લાઈ ઓછી કરવામાં આવી. બાકીના પાવર પ્લાન્ટ્સમાં કોલસાની ઘટ ટેકનિકલ સમસ્યાઓ અથવા તો ટ્રાન્સપોર્ટની સમસ્યાઓના કારણે આવી રહી છે.
જણાવી દઈએ કે, કોલસાની ઘટ બાદ ચીને પણ આ દિવસોમાં વીજસંકટથી ઝઝુમી રહ્યું છે. ત્યાં મોટાભાગના પાવરપ્લાન્ટ કોલસાથી ચાલે છે. જેની સપ્લાઈ ઓસ્ટ્રેલીયાથી આવે છે. હવે બંને દેશો ઉપર વિવિધ મુદ્દાઓ ઉપર ખટરાગ ચાલી રહ્યો છે. જે બાદ ચીને ઓસ્ટ્રેલીયા પાસેથી કોલસો ખરીદવાનું બંધ કરી દીધું છે. તેના કારણે ત્યાં વીજસંકટ ઘેરૂ બન્યું છે.