ટાટા સન્સે એર ઈન્ડિયાનેઆખરે ખરીદી લીધું છે. ટાટા સન્સે એર ઈન્ડિયાને ખરીદવા માટે રૂપિયા 18 હજાર કરોડની બોલી લગાવી હતી. દીપમના સચિવ તુહિન કાંત પાંડેયે આ જાહેરાત શુક્રવારના રોજ કરી છે. તો બીજી તરફ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાએ એર ઈન્ડિયાની બોલી જીતતા પોતાના ટ્વિટર ઉપર વેલકમ બેક એર ઈન્ડિયા લખ્યું હતું.
ડિપાર્ટમેન્ટ ઓફ ઈનવેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સચિવે જણાવ્યું છે કે, એર ઈન્ડિયાની નીલામીમાં બે કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં ટાટા સન્સની બોલી સૌથી વધારે રૂપિયા 18 હજાર કરોડની રહી છે. મંત્રીઓની પેનલમાં આ બિડને ક્લિયર કરવામાં આવી છે અને આ પ્રકારે એર ઈન્ડિયા હવે ટાટા સન્સનો ભાગ બની ગઈ છે. તેમણે જણાવ્યું કે, દેશના મોટા આર્થિક નિર્ણયો ઉપર વિચાર કરવા માટે એક સ્પેશ્યલ પેનલ બનાવવામાં આવી છે. આ પેનલમાં ગૃહમંત્રી, નાણામંત્રી, કોમર્સ મિનિસ્ટર અને સિવિલ એવિએશન મિનિસ્ટરનો સમાવેશ થાય છે. તેણે તમામ પાસાઓ ઉપર વિચાર વિમર્શ કર્યો હતો. તે બાદ આ બિડમાં બોલી લગાવનારી ટાટા સન્સને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

ટાટા ગ્રુપના સંસ્થાપક જમશેદજી ટાટાએ વર્ષ 1932માં 2 લાખ રૂપિયાના રોકાણથી એર ઈન્ડિયાની શરૂઆત કરી હતી. આ સમયમાં કંપનીનું નામ ટાટા એરલાઈન્સ હતું. આ એરલાઈનની પહેલી ઉડાન વર્ષ 1932માં કરાચીથી મુંબઈની વચ્ચેની હતી. કંપનીએ પોતાનો લોગો શુભંકર મહારાજા બનાવ્યો અને વર્ષ 1946માં ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કર્યું, જલ્દી આ એરલાઈન દુનિયાને શ્રેષ્ઠ એરલાઈનોમાંની એક બની ગઈ. વર્ષ1953માં જવાહરલાલ નેહરૂની તત્કાલીન સરકારે એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કર્યું. તેની સામે જેઆરડી ટાટાએ જોરદાર કાનુની લડાઈ લડી. પરંતુ તે કેસ જીતી શક્યાં નહીં. ત્યારથી આ એરલાઈન સરકારનો ભાગ બની ગઈ અને તેનું નામ બદલીને એર ઈન્ડિયા કરી દેવામાં આવ્યું હતું.