સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પણ શહેરમાં કોઈ મોટા મંત્રીની પધરામણી થાય છે ત્યારે રાતોરાત રસ્તા સહિતના કામ થઈ જાય છે. બાકીના દિવસોમાં શહેરની પ્રજાનો કોઈ નેતા ભાવ પૂછતા નથી. રાજ્યના નાના જિલ્લા હોય કે મોટા મહાનગર જ્યારે પણ મોટા પદ અને કદના મંત્રી મુલાકાત લે ત્યારે સત્તા પર પહેલા પક્ષની ધજા તથા બેનરથી ડેકોરેશન કરવામાં આવે છે. જાહેર સંપત્તિઓ પર પક્ષની ધજા, બેનર તથા હોર્ડિંગ મૂકવામાં આવે છે. પણ મંત્રીની મુલાકાત બાદ નગરમાં શું થાય એની ભાગ્યે જ કોઈને ખબર હોય. નથી આવી સંપત્તિઓ પરથી ધજા ઊતારાતી કે નથી કોઈ કામ થતું. જાહેર સંપત્તિઓ પર લહેરાતા રાજકીય પક્ષોની પ્રચાર સામગ્રીને લઈને મોરબી આમ આદમી પાર્ટી તરફથી એક અપીલ જિલ્લા ક્લેક્ટરને કરવામાં આવી છે.
મોરબી આમ આદમી પાર્ટીએ જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી પોતાની પાર્ટીના ઝંડાઓ, પતકડાઓ તેમજ બેનરો મનફાવે તે રીતે મારી દે છે. અમે સમજીએ છીએ કોઈપણ મંત્રી પ્રજાના આશીર્વાદ ,લેવા આવતા હોય તો ત્યારે ભાજપ માટે દેખાવ કરવો ખૂબ જરૂરી હોય છે. જે દેખાવને અમે તે દિવસે પૂરતો સહન કરી લીધો છે. પણ એ પછી ઘણા દિવસ થયા છતાં પણ પ્રજાની જાહેર સંપત્તિ ઉપરથી ઝંડાઓ, પતકડાઓ તેમજ બેનરો હટાવવામાં આવ્યા નથી. ખાસ વાત તો એ કે, મોરબી જિલ્લો હોવાથી નાનાથી લઈને મોટા અધિકારીઓ કે જેમની જવાબદારી પ્રજાહિત માટે પ્રજાની સંપત્તિની સુરક્ષા કરવાની હોય છે. તેનું ધ્યાન રાખવાની હોય છે. જેઓ પ્રજાના સેવક હોય છે ત્યારે એ કાર્ય પણ કોઈએ કર્યું નથી. અત્યંત દુ:ખ સાથે આવેદન આપવું પડે છે કે, આપ તમામ અધિકારીઓને કાયદા મુજબ સહુને એક સરખા રાખી શકતા ન હોવ અને પ્રજાની સંપત્તિની જાળવણી કરી શકતા ન હોવ તો નમ્ર અરજ છે કે તમામ જાહેર સંપત્તિઓ ભારતીય જનતા પાર્ટીના નામે કરી આપો. જેથી કરીને કોઈ પણ પ્રકારનો વિરોધ અમારે ન કરવો પડે. આપ એવુ ન કરવા માંગતા હોવતો 24 કલાકમાં તમામ પ્રજાની જાહેર સંપતિ પરથી ભાજપના તમામ સાહિત્યો ઉતરાવી નાખશો અન્યથા અમારે અમારી પાર્ટીના સાહિત્યો ત્યાં જ લગાડવા પડશે.