ગુજરાત રાજ્યમાં નોરતાના તહેવાર પર ગ્રામ્ય વિસ્તારમાં વીજકાપ લાગુ થવાનો છે. આ અહેવાલોએ લોકોમાં મોટી ચર્ચા ઊભી કરી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લી.ના અંતર્ગત ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ભાવનગર સુધી ગ્રામ્ય વિસ્તારમાં બપોરે વીજકાપ રહેશે એવા વાવડ વહેતા થયા છે. જેની પાછળ ભારતમાં કોલસાની અછત હોવાનો મુદ્દો જોરશોરથી ચર્ચાય છે. આ મામલે રાજ્યભરમાં વીજકાપ લાગુ પડશે? શું તહેવાર ટાણે અંધારપટનો સામનો કરવો પડશે? એવા પ્રશ્નો લોકોમાં ઊઠ્યા છે.
આ વિષય પર રાજ્યના નવા ઊર્જામંત્રી કનુ દેસાઈએ મોટી અને મહત્ત્વની સ્પષ્ટતા કરી દીધી છે. ઊર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને ભારત સહિત ગુજરાત રાજ્યમાં વીજ સંકટ ઊભું થયું છે. આ વાત હાલ પૂરતી નથી. અત્યારે રાજ્ય સરકારે પાવરકટની કોઈ પ્રકારની જાહેરાત કરી નથી. હાલમાં ગુજરાત સરકાર જુદા જુદા પાસાઓનો વિચાર કરી રહી છે. આ વિષય પર સતત બેઠક અને મિટિંગ ચાલું છે. તહેવારના દિવસોમાં અંધારપટ અંગે ઊર્જામંત્રીએ કહ્યું કે, બે દિવસ પાવરકટનો સામનો કરવો પડે એવી કોઈ સ્થિતિ નથી. માગ અને સપ્લાય અનુસાર લોડ શેરિંગ નોર્મલ છે. રાજ્ય સરકાર વીજ મુદ્દે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે બેઠક કરી રહી છે. આવનારા દિવસોમાં સ્થિતિ બદલાય તો રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે. અત્યારે આ અંગે જે કોઈ વાત ચાલી રહી છે. એ અફવા છે. લોકોએ અફવાથી ગેરમાર્ગે દોરાવું ન જોઈએ. બીજી તરફ દેશમાં કોલસાની સ્થિતિ કંઈ ખાસ વખાણવા લાયક નથી. આવનારા દિવસોમાં કોઈ મોટું વીજ સંક્ટ ઊભું થઈ શકે એમ છે.
તા.29 સપ્ટેમ્બરે દેશના 135 કોલસા આધારિત પાવર પ્લાન્ટમાંથી 16 પાવર પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક ખતમ થઈ ગયો છે. કેટલાક પ્લાન્ટમાં ત્રણ દિવસથી ઓછો સ્ટોક રહ્યો છે. 80 ટકા પ્લાન્ટ એવા છે કે, એક અઠવાડિયા સુધી ચાલે એટલો જ સ્ટોક છે. ગત અઠવાડિયે ડોમેસ્ટિક ગેસની કિંમતમાં વધારો થયો હતો. જેના કારણે આ સેક્ટરને પણ ક્યાંક અસર થઈ છે. રાજ્ય સરકારની આ સેક્ટર પર સતત નજર છે. જોકે, વીજકાપને લઈને લોકો અનેક પ્રકારની વાત કરી રહ્યા છે. જોકે, નોરતાના દિવસોમાં વીજકાપ લાગુ થશે તો ખરા અર્થમાં તહેવારની મજા માણવાનો લોકોને મુડ બગડશે.