મહાનગરમાંથી ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે જે કાને પડતા એકાએક સૌ કોઈને શોક લાગી જાય છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક વિચિત્ર કહી શકાય એવી ઘટના બની છે. અમદાવાદ શહેરમાં કિન્નરો થકી ચોરીને બીજો મોટો બનાવ સામે આવ્યો છે. નરોડા રોડ પર રહેતી મહિલા ભોજનાલય બાજુ જઈ રહ્યા હતા. ઘરની બહાર નીકળતા જ ત્રણ કિન્નરો દોડી આવ્યા અને મહિલા પાસે પીવાનું પાણી માંગ્યું હતું.
જ્યારે મહિલા પાણી લેવા માટે અંદર ગઈ ત્યારે કિન્નરો રૂ.55000 રોકડાથી ભરેલું પર્સ લઈને ફરાર થઈ ગયા હતા. આ પછી મહિલાએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નરોડા રોડ પર આવેલા શિવ એપાર્ટમેન્ટમાં રહેતા અમૃતાબેન ભાર્ગવ યુ.એન.મહેતા હોસ્પિટલ સામે એક ભોજનાલય ધરાવે છે. તા.23 સપ્ટેમ્બરના રોજ જ્યારે તેઓ ઘરેથી ભોજનાલય માટે નીકળ્યા ત્યારે આ ઘટના બની હતી. મહિલા ઘરની બહાર રૂ.55000થી ભરેલું એક પર્સ અને બીજો સામાન મૂકીને પાણી ભરવા માટે ગયા હતા. જ્યારે પરત આવીને જોયું ત્યારે કિન્નર પર્સ લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે મહિલાએ એકાએક બૂમબરાડા પાડતા આસપાસના વિસ્તારમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. આસપાસની સોસાયટી અને ફ્લેટમાં તપાસ કરતા કિન્નર ક્યાંય મળ્યા ન હતા. જ્યારે પતિ ઘરે પહોંચ્યા ત્યારે મહિલાએ સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. આ કેસમાં મહિલાએ અજાણ્યા કિન્નરો સામે પોલીસ ફરિયાદ કરી છે. જ્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે તજવીજ શરૂ કરી દીધી છે. આ પહેલા શહેરના ગોમતીપુરા વિસ્તારમાં પણ આવો કિસ્સો બન્યો હતો. જ્યાં 26 વર્ષની યુવતી એના પુત્ર સાથે એકલી હતી ત્યારે કિન્નરે યુવતીના ઘરમાં અંદર આવવા માટેનું કહેતા યુવતી ડરી ગઈ હતી. આ કિન્નરોએ કહ્યું હતું કે, તારા ઘરમાં બાબાનો જન્મ થયો છે. બે મહિના પહેલા બાબો આવ્યો એવું કહેતા કિન્નરે રૂ.5000 ની માગ કરી હતી. યુવતીએ કહ્યું કે, અગાઉ પણ માસી બા આવ્યા હતા. તે રૂ.500 લઈ ચૂક્યા છે. કિન્નરે કહ્યું કે, અગાઉ જે આવ્યા હતા એ નકલી હતા. હું અસલી છું. મહાનગર અમદાવાદમાં કિન્નરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને એકલી રહેતી મહિલાઓને તે શિકાર બનાવી રહ્યા છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચાલું કરી દીધો છે