ગાંધીનગર,રવિવાર
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 100 કલાક સ્વૈચ્છિક સમયદાન સંકલ્પ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે.શાળાઓ ઈચ્છે તો રવિવારે, અન્ય જાહેર રજાના દિવસે પણ શૈક્ષણિક કાર્ય કરી શકશે. રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો વધારાનું શિક્ષણકાર્ય કરશે.આનાથી રાજ્યની ધોરણ 1 થી 8ની સરકારી ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ મળી કુલ 43,450 શાળાઑ, તેમજ ધોરણ 9 થી 12ની કુલ 12, 445 શાળાના જરૂરિયાત વાળ વિદ્યાર્થીઑને મોટો લાભ થશે.
ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં શિક્ષકોને “100 કલાક સ્વૈચ્છિક સમયદાન” આપવા માટે વિનંતી કરવામાં આવી છે.બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા રાજ્યનો શિક્ષણ વિભાગ સંકલ્પબધ્ધ છે ત્યારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ સ્તરના શિક્ષક સંઘો સાથે બેઠક કરી સર્વાનુમતે “100 કલાક સ્વૈચ્છિક સમયદાન” આપવાનો સંકલ્પ કરેલ છે.ધોરણ 6 થી 8માં કઠિન બિંદુઓની તારવણી કરી તે મુજબ શિક્ષણ આપવામાં આવશે.ધોરણ 9 થી 12માં વિષયના ભારણ પ્રમાણે તેમજ લીંકીંગ ચેપ્ટર મુજબ વિશેષ શિક્ષણ કાર્ય હાથ ધરાશે. 2 લાખ શિક્ષકો સમયદાન આપશે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો શાળા સમય ઉપરાંત વધારાનું શિક્ષણ કાર્ય કરશે જેમાં 100 કલાક સમયદાન આપી ડિસેમ્બર 2021થી 15 એપ્રિલ 2022 સુધી આ સેવાદાન ચાલશે. શાળાઓ પોતાની રીતે આયોજન કરી શાળા સમય પહેલા અથવા શાળા સમય બાદ સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ વધારાના શિક્ષણ કાર્યનું સ્વૈચ્છિક રીતે આયોજન કરવામાં આવશે. ધોરણ 1 થી 5આમ વાંચન ગણન અને લેખનને કેન્દ્રમાં રાખી શિક્ષણ કાર્ય કરવામાં આવશે.

