કોચ્ચિ, શનિવાર
ફિલ્મ નિર્માતા અલી અકબરે તેમની પત્ની સાથે હિંદુ ધર્મ અંગિકાર કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યુ છે કે તેઓ જનરલ બિપિન રાવતના મૃત્યુનું અપમાન કરનારાઓને કારણે ઈસ્લામ છોડી રહ્યા છે. કથિતપણે ઘણાંલોકોએ જનરલ રાવતના નિધન સાથે જોડાયેલી પોસ્ટ પર સ્માઈલી ઈમોટિકોનનો ઉપયોગ કર્યો હતો. બુધવારે તમિલનાડુના કુન્નૂર જિલ્લામાં થયેલા એક હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈન્યકર્મીઓ સહીત કુલ 13ના મોત નીપજ્યા હતા.
મીડિયા અહેવાલો પ્રમાણે, અકબરે કહ્યુ છે કે ઈસ્લામના ટોચના નેતાઓએ પણ બહાદૂર સૈન્ય અધિકારીને અપમાનિત કરનારા આવા રાષ્ટ્રવિરોધીઓનો વિરોધ કર્યો નથી. તેમણે કહ્યુ છે કે તેઓ એ સ્વીકારી શકે નહીં. અકબરે કહ્યુ છે કે તેમનો ધર્મ પરથી ભરોસો ઉઠી ગયો છે. તેમણે બુધવારે આના સંદર્ભે એક વીડિયો ફેસબુક પર શેયર પણ કર્યો હતો.
ફિલ્મ નિર્માતા અલી અકબરે કહ્યુ હતુ કે આજે હું જન્મથી મળેલા પહેરવેશને ઉતારી ફેંકી રહ્યો છું. આજથી હું મુસ્લિમ નથી, હું એક ભારતીય છું. મારો આ જવાબ એ લોકો માટે છે, જેમણે ભારતની વિરુદ્ધ હજારો સ્માઈલિંગ ઈમોટિકોન્સ પોસ્ટ કર્યા છે. ઘણાં મુસ્લિમ યૂઝર્સે તેમની આ પોસ્ટનો વિરોધ કર્યો અને તેમને અપશબ્દો પણ કહ્યા છે. જો કે ઘણાં યૂઝર્સે તેમનું સમર્થન પણ કર્યું છે. કેટલાક સમય બાદ ફેસબુક પરથી આ પોસ્ટ ગાયબ થઈ ગઈ હતી.
એક અન્ય પોસ્ટમાં અકબરે લખ્યુ છે કે દેશે આ લોકોની ઓળખ કરવી જોઈએ અને તેમને સજા આપવી જોઈએ કે જેઓ સીડીએસના નિધન પર હસી રહ્યા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અલી અકબરે કહ્યુ છે કે સોશયલ મીડિયા પર ઘણી રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ થાય છે અને રાવતના નિધન પર હસવું તેનું તાજું ઉદાહરણ છે. તેમણે કહ્યુ છે કે મોટાભાગના જે સ્માઈલિંગ ઈમોટિકોન્સની સાથે કોમેન્ટ કરી રહ્યા છે અને રાવતના નિધનના અહેવાલ પર જશ્ન મનાવી રહ્યા છે, તે મુસ્લિમ છે.
તેમણે આગળ કહ્યુ છે કે તેમણે આમ એટલા માટે કર્યું, કારણ કે રાવતે પાકિસ્તાન અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરી હતી. આ પોસ્ટને જોવા છતાં, જેમા બહાદૂર સૈન્ય અધિકારી અને દેશનું અપમાન કરવામાં આવ્યું. કોઈપણ ટોચના મુસ્લિમ નેતાએ પ્રતિક્રિયા આપી નથી. હું આવા ધર્મનો હિસ્સો રહી શકું નહીં.
અલી અકબરે સીડીએસ બિપિન રાવતના નિધન પર અપમાનજનક પોસ્ટ કરનારાઓથી દુખી થઈને કહ્યુ છે કે તેઓ અને તેમના પત્ની હિંદુ ધર્મ અપનાવી લેશે અને સત્તાવાર રેકોર્ડ્સમાં ધાર્મિક જામકારી બદલવાની પ્રક્રિયા શરૂ કરશે. તેમણે કહ્યુ છે કે તેઓ તેમની બંને પુત્રીઓને ધર્મ પરિવર્તન માટે મજબૂર નહીં કરે. ફિલ્મ નિર્માતા અલી અકબરે કહ્યુ છે કે આ તેમની પસંદ છે અને હું તેમને જ નિર્ણય કરવા દઈશ. અકબર ભાજપના પ્રદેશ સમિતિના સદસ્ય હતા. તેમણે પાર્ટી નેતૃત્વ સાથે મતભેદને કારણે ઓક્ટોબરમાં પદ પરથી રાજીનામું આપ્યું હતું.

