દેશના ટોચના સૈન્યાધિકારી સીડીએસ જનરલ બિપિન રાવતની અંતિમ યાત્રામાં હજારો લોકો સામેલ થયા હતા. 3 કામરાજ માર્ગથી નીકળેલી અંતિમ યાત્રામાં લોકો ઘણાં સ્થાનો પર ભીની આંખે પુષ્પવર્ષા કરતા પણ જોવા મળ્યા. આ અંતિમ યાત્રામાં સામાન્ય લોકોની સાથે પાડોશી દેશો શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને નેપાળના ટોચના સૈન્ય કમાન્ડરો પણ સામેલ થયા હતા. બુધવારે જ તમિલવાડુના નીલિગિરિ જિલ્લામાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 સૈન્ય અધિકારીઓના નિધન થયા હતા. શુક્રવારે સીડીએસ જનરલ રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને તેમના ઘરે લોકોના અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો.

આ દરમિયાન પાકિસ્તાનના હાઈકમિશનમાં તહેનાત સુરક્ષા સલાહકાર પણ જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. સીડીએસ રાવતની અંતિમ યાત્રામાં સામેલ થનારા જનરલ શેવેંદ્ર સિલ્વા શ્રીલંકાના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સેનાધ્યક્ષ છે. આ સિવાય રોયલ ભૂટાન આર્મીના ડેપ્યુટી ચીફ ઓફ ઓપરેશન્સ ઓફિસર બ્રિગેડિયર દોરજી રિંચેન પણ સામેલ થયા હતા.નેપાળી સેનાના ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટિનેન્ટ જનરલ બાલકૃષ્ણ કાર્કી પણ જનરલ રાવતની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા. તો બાંગ્લાદેશના પ્રિંસિપલ સ્ટાફ ઓફિસર લેફ્ટિનેન્ટ જનરલ વાકિર ઉઝ જમાન પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા.

એએનઆઈના અહેવાલ મુજબ,જનરલ રાવતની અંતિમ યાત્રામાં શ્રીલંકાના ભૂતપૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ રવિન્દ્ર ચંદ્રશ્રી વિજેગુણારત્ને પણ પહોંચ્યા હતા. તેઓ જનરલ રાવતના કોર્સ મેટ હતા અને તેઓ તેમના ઘનિષ્ઠ મિત્રોમાંથી એક હતા. જનરલ રાવતની અંતિમ યાત્રા દિલ્હી કેન્ટ ખાતેના બરાર સ્ક્વેર પર પૂર્ણ થશે અને અહીં જનરલ રાવત અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા સવારથી જ તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપનારાઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા. હરિયાણાના સીએમ મનોહર ખટ્ટર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન. વી. રમન્ના, તમામ કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહીતના તમામ અગ્રણીઓ સીડીએસને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા.

