અમદાવાદ, શુક્રવાર
ધનતેરસ, દિવાળી અને પુષ્યનક્ષત્ર નિમિત્તે સોનાની ખરીદી હજારો કરોડોની થઈ હતી ત્યારે સાથોસાથ ચાંદી પણ એટલું જ ખરીદવામાં આવ્યું હોવાનું અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સના ગત ઓકટોબર મહિનાના આંકડાઓ જોતા સ્પષ્ટપણે સમજી શકાય છે ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં 146 મેટ્રિક ટન ચાંદી આયાત કરવામાં આવી હતી, જે છેલ્લા 7 વર્ષમાં સૌથી વધારે છે. અગાઉ ડિસેમ્બર-2014માં 166.06 મેટ્રિક ટન ચાંદી આયાત કરવામાં આવી હતી. ચાંદીના ભાવમાં ઉછાળો હોવા છતાં આટલી મોટા પ્રમાણમા ખરીદી તહેવારો અને મૂહૂર્તોને ધ્યાનમાં રાખીને થઈ હોવાનું ચાંદીના વેપારીઓ માની રહ્યા છે.
ચાંદીના સિક્કા કે મૂર્તિઓ જ નહીં, ચાંદીના ઘરેણાની ખરીદીમાં પણ ઉછાળો જોવા મળ્યો હોવાનું વેપારીસૂત્રો જણાવી રહ્યા છે. ઓકટોબર મહિનાની શરૂઆતમાં ચાંદીના ભાવમાં 9 ટકાનો ઘટાડો થતાં વેપારીઓઓ મોટા પ્રમાણમાં ચાંદીની ખરીદી કરી હતી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે, હલકા તેમ જ મોર્ડન ડિઝાઈનમાં આવતા હોવાથી યુવાન મહિલાઓ ચાંદીના ઘરેણા વધારે પસંદ કરે છે. જેને તેઓ તહેવારો પછી પણ પહેરી શકે છે. જોકે, સોનાની માગ પણ એટલી જ છે અને લોકોએ ગત તહેવારોમાં સોનાની ખરીદી પણ પુષ્કળ કરી છે. ઓક્ટોબર મહિનામાં સોનાની આયાત 5.3 મેટ્રિક ટન હતી, જે 2020 કરતા 110 ટકા વધારે હતી. (તસવીર પ્રતિકાત્મક છે)

