ગાંધીનગર, બુધવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર શૈક્ષણિક વર્ષ 2021–22માં ધો .9 થી ધો.12ની પરીક્ષાના પ્રવર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. આ સંજોગોમાં ધો.9 થી ધો.12ની પ્રથમ અને પ્રિલિમ/વાર્ષિક તેમજ ધો.9 અને ધો.11ની વાર્ષિક પરીક્ષા માટે કેટલાક વિષયોના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી મારફતે તમામ શાળાઓને મોકલવામાં આવશે અને બાકીના વિષયના પેપર શાળા કક્ષાએથી અથવા શાળા વિકાસ સંકુલ કક્ષાએથી તૈયાર કરાશે.
ધો.9 અને ધો.10ની પરીક્ષામાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપર બોર્ડ દ્વારા કાઢવામાં આવશે. જ્યારે ધો.11 અને ધો.12માં ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી, નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના પેપર બોર્ડ દ્વારા કાઢવામાં આવશે.
આ નિર્ણયમાં શાળા સંચાલકોની રજૂઆત મુજબ પ્રથમ પરીક્ષા માટે આ નિર્ણયમાં ફેરફાર કરાયો હતો. જે મુજબ શાળાઓ બોર્ડના પેપર લેવા માંગતી હોય અથવા પોતાની રીતે અલગથી પેપર તૈયાર કરી પરીક્ષા લેવા માંગતી હોય તે બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની છૂટ અપાઇ હતી. હવે સરકારે કરેલા નિર્ણય મુજબ જાન્યુઆરી – 2022માં લેવાનારી ધો.9 થી ધો.12ની બીજી પરીક્ષા તેમ જ ધો. 9 અને ધો.11ની એપ્રિલ -2022માં લેવાનારી વાર્ષિક પરીક્ષા માટેના પેપર શાળા કક્ષાએ કે એસવીએસ કક્ષાએ તૈયાર કરીને પરીક્ષા લેવાની રહેશે તેમ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન.રાજગોરે જણાવ્યું હતુ. (તસવીર પ્રતિકાત્મક છે)

