ગાંધીનગર, મંગળવાર
ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમાં આગામી 10મી વાઇબ્રન્ટ સમિટ-2022 ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ સાથે યોજાશે. આગામી જાન્યુઆરી-2022માં તા.10થી 12 દરમિયાન યોજાનારી આ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકાર સાથે આ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના 12 જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, ‘વાઇબ્રન્ટ સમિટની ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.’
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના પૂર્વાર્ધરૂપે દર સપ્તાહ પ્રથમ દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગ-રોકાણકારો સાથે MOUનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ સોમવારે MOUની ત્રીજી કડીમાં જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે, તેમાં ઇલેક્ટ્રીક ટુ વ્હીલર, કેમિકલ, ફાર્મા, API, ઇલેક્ટ્રીસીટી સ્ટોરેજ સોલ્યુશન, ઓર્ગેનિક્સ, પેપર, મેટલ, હાઇજીન, જ્વેલરી, ડાઇઝ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે.
આ ઊદ્યોગો ગુજરાતમાં અંજાર, દહેજ, ભરુચ, વલસાડ, ગાંધીનગર, હાલોલ, સાવલી, જઘડીયા, સાયખા, પાલ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે. આ મૂડીરોકાણો દ્વારા “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”નું સ્વપ્ન સાકાર થશે. આ સમિટ દ્વારા બીઝનેસ તેમજ સમાજ માટે સર્વ સમાવેશક પ્રગતિનો માર્ગ ખૂલશે અને તેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકાશે. આ પ્રસંગે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી, ઊદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કે. કૈલાશનાથન, ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમાર તથા ગુજરાત સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત સિનિયર અધિકારીઓ અને ઉદ્યોગ સંચાલકો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

