નવી દિલ્હી, સોમવાર
મહારાષ્ટ્ર સરકાર સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસીને 27 ટકા કોટા આપી નહીં શકે. સુપ્રીમ કોર્ટે આના પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટમાંથી આ મહારાષ્ટ્ર સરકારને મોટો આંચકો છે. સરકાર હવે નિગમ ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામત આપી નહીં શકે. સુપ્રીમ કોર્ટે આ અનામત આપવા પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યના ચૂંટણી પંચને 27 ટકા અનામતને આગળ નહીં વધારવા માટે તાકીદ કરી છે. કોર્ટે કહ્યું છે કે ટ્રિપલ ટેસ્ટના પાલન વગર રાજ્ય સરકાર દ્વારા ઓબીસી અનામત માટે વટહુકમમ લાવવાનો નિર્ણય સ્વીકારવામાં નહીં આવે.
સુપ્રીમ કોર્ટે વટહુકમ પર રોક લગાવતા કહ્યુ છે કે પંચની રચના વગર અને પ્રતિનિધિત્વની અનઉપલબ્ધતા બાબતે ડેટા એકઠા કર્યા વગર કોટા લાગુ થઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જનરલ વર્ગ સહીતના અન્ય રિઝર્વ બેઠકો માટે બચેલા ચૂંટણી કાર્યક્રમને વધારી શકાય છે. આ મામલા પર જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ રવિકુમારની ખંડપીઠે સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસીને 27 ટકા અનામત આપવા મામલે લાવવામાં આવેલા રાજ્ય સરકારના વટહુકમને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે નિયમો પ્રમાણે અનામત આપવામાં નહીં આવ્યું હોવાનું જણાવીને આના પર રોક લગાવી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં 27 ટકા ઓબીસી અનામત આપવાનો ઈન્કાર કર્યો હતો. તેના પછી મહારાષ્ટ્ર સરકાર વટહુકમ લઈને આવી. હવે સુપ્રીમ કોર્ટે આ વટહુકમ પર પણ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અનામત આપતા પહેલા એક પંચની રચના કરવી જરૂરી છે. કમિશન અભ્યાસ કરીને જણાવે છે કે કઈ જાતિને કેટલું અનામત આપવામાં આવે. તેના પછી તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે કુલ અનામત 50 ટકાની મર્યાદાને પાર કરી રહ્યું ન હોય.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો રાજ્ય ચૂંટણી પંચ ચાહે તો બિનઅનામત અને એસસી-એસટી બેઠકો પર ચૂંટણી કરાવી શકે છે. પરંતુ ઓબીસીની બેઠકો પર ચૂંટણી આગામી આદેશ સુધી નહીં થાય. મહત્વપૂર્ણ છે કે ટ્રિપલ પરીક્ષણમાં સૌથી પહેલા રાજ્યમાં સ્થાનિક નિગમોના સ્વરૂપમાં પછાતપણાની પ્રકૃતિ અને નિહિતાર્થની કડક પ્રયોગસિદ્ધ તપાસ માટે એક પંચની સ્થાપના કરવામાં આવે છે. ત્યાર બાદ પંચની ભલામણો હેઠળ સ્થાનિક નિગમ-પ્રમાણે જોગવાઈ કરવા માટે જરૂરી રિઝર્વેશન અનુપાતને નિર્દિષ્ટ કરવામાં આવે છે, જેનાથી અનામતની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. ત્રીજું, કોઈપણ કેસમાં રિઝર્વેશન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ માટે કુલ અનામત બેઠકોના 50 ટકાથી વધારે થવું જોઈએ નહીં.

