ગતિશીલ ગુજરાત અને ગુજરાત મોડેલની દુહાઈ દેવાની વાત આવે ત્યારે ભાજપની સરકાર પાછળ રહેતી નથી. ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે તેવા ગપગોળા ચલાવ્યા પછી ખેડૂતોની આવક બમણી થઈ નથી અને આજે પણ ખેડૂતો શોષણનો શિકાર બની રહ્યા છે. ખેડૂતોની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે અને ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. જ્યારે જ્યારે ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીની વાત ઊઠી છે ત્યારે ભાજપના નેતાઓ એવો બચાવ કરતા આવ્યા છે કે, ગુજરાતનો ખેડૂત તો સમૃદ્વ છે અને તેણે દેવા માફીની કોઈ જરૂર નથી. ભાજપના નેતાઓના આ નિવેદનો કહેતા ભી દિવાના અને સુનતા ભી દિવાના જેવા સાબિત થઈ રહ્યા છે. ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવા નીકળેલા નેતાઓના ગાલ ઉપર તમાચો ત્યારે પડે છે કે, જ્યારે કેન્દ્રના નેશનલ સેમ્પલના સરવેમાં ઘટસ્ફોટ થાય છે કે, ગુજરાતમાં 43.19 લાખમાંથી ૨૨.૬૧ લાખ ખેડૂતો તો દેવાના ડુંગર નીચે દબાયેલા છે જેની ટકાવારી 42.5 ટકા જેટલી થવા જાય છે અને દેશમાં ગુજરાતનો 14મો નંબર આવે છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે અને તેઓ સુખી-સંપન્ન થઈ રહ્યા છે એવા નિવેદનો માત્રને માત્ર બોલવા માટે જ સારા લાગી રહ્યા છે પણ ખેડૂતોની હાલતમાં કોઈ ફેર પડ્યો નથી.

ગતિશીલ ગુજરાતમાં વિકાસના પિપૂડા વાગી રહ્યા છે અને એ વગાડનારા ઘરના જ ભૂવા અને ઘરના ડાકલા હોય તેમ ભાજપના નેતાઓ જ પિપૂડા વગાડી રહ્યા છે. ગુજરાત મોડલની દુહાઈ દેવામાં આવે છે અને દેશના અન્ય રાજ્યો માટે ગુજરાત ગ્રોથ એન્જિન બની ચૂક્યું છે તેવા નિવેદનો માત્રને માત્ર બોલવા માટે સારા લાગી રહ્યા છે. કેમ કે, ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિમાં કોઈ જ ફેર પડ્યો નથી. તાજેતરમાં જ કેન્દ્રના નેશનલ સેમ્પલના સરવેમાં આ ઘટસ્ફોટ થયો હતો. ગુજરાતમાં ૪૩.૧૯ લાખ ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા છે અને તેમાંથી ૨૨.૬૧ લાખ ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે. દેવા માફીની માંગ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી આવે ત્યારે ઊઠે છે પણ ભાજપના નેતાઓ કહે છે કે, ગુજરાતના ખેડૂતને દેવા માફીની કોઈ જરૂર નથી. જાે ગુજરાતનો ખેડૂત દેવાદાર નથી તો શું આ આંકડા ખોટા છે તે કોઈ નેતા સાબિત કરી બતાવે. ખેતીનો વ્યવસાય જુગાર જેવો થઈ ચૂક્યો છે અને તેમાં કમાવવાનું કંઈ નહી અને ગુમાવવાનું વધારે પડતું થઈ ચૂક્યું છે. આજે પણ દેશમાં ૯૦ ટકા ખેડૂતોને વચોટિયાઓ શોષણ કરી રહ્યા છે.
માર્કેટયાર્ડોમાં ખેડૂતો લૂંટાઈ રહ્યા છે અને તેમની ખેતીના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેતી સાથે સંકળાયેલા અનેક પાયાના પ્રશ્નો મોં ફાડીને ઊભા છે પણ તેનો નિવેડો આવતો નથી. ચૂંટણી આવે એટલે દરેક પક્ષના નેતાઓ ખેડૂતોના નામે રાજનીતિ કરવા નીકળી પડે છે અને રાજકીય રોટલા શેકવાની એક પણ તક ચૂકતા નથી. ચૂંટણી પૂરી થાય એટલે હું કોણ અને તું કોણ, કેવા ખેડૂતો અને કેવી ખેડૂતોના ઉત્કર્ષની વાતો. ગુજરાતમાં ખેતી સાથે સંકળાયેલા ખેડૂત પરિવારોની હાલત કફોડી બની રહી છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર કહી રહી છે કે, ગુજરાતનો ખેડૂત સમૃદ્વ છે અને અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા દેવામાં ડુબેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા માત્રને માત્ર પોકળ વચનો આપ્યા સિવાય કંઈ કરવામાં આવ્યું નથી. આવનારા નવા વર્ષમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્ર સરકારને કૃષિ કાયદા રદ કરવાની ફરજ પડી છે. અત્યાર સુધી ભાજપના નેતાઓ આ કૃષિ કાયદાના ફાયદા ગણાવતા હતા તેવા નેતાઓને હવે સાપ સૂંઘી ગયો છે એટલે કંઈ બોલતા નથી.

