ગાંધીનગર,શુક્રવાર
રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી રૂપાણીની સરકારમાં કેબિનેટ કક્ષાના પાણી અને પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાનું મંત્રીપદ રાતોરાત જતું રહેતાં નારાજગીના સૂર વહેતા થયા હતા. પોતાના મત વિસ્તાર જસદણમાં જઈને તેમણે બળાપો પણ ઠાલવ્યો હતો. સંકલન સમિતિની બેઠક મળવાની હતી ત્યારે તેમણે પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો થતા નથી તેવો આક્ષેપ કર્યો હતો અને ફરિયાદોનો ઢગલો કરીને વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હતા.હવે બળવાખોર કુંવરજી બાવળિયાના સૂર બદલાયા છે અને કહ્યું કે,હું મંત્રી હતો ત્યારે પણ કામ થતા હતા અને હવે મંત્રી નથી ત્યારે પણ કામ થાય છે. સામી વિધાનસભાની ચૂંટણીએ બાવળિયા હવે સૂર બદલી રહ્યા છે કેમ કે, ફરીથી ચૂંટણી લડવાના અભરખા છે અને ચૂંટાઈને મંત્રી બનવું પણ છે.
ગુજરાતમાં રાતોરાત રૂપાણી સરકારને હટાવ્યા પછી જૂનાજોગી મંત્રીઓને પણ ઘેરભેગા કરી દેવામાં આવ્યા હતા.જેનો આઘાત હજુ પણ અનેક નેતાઓ સહન કરી શક્યા નથી.કુંવરજી બાવળિયા કોંગ્રેસના મોટા ગજાના નેતા હતા અને ભાજપમાં ભળ્યા હતા અને પેટા ચૂંટણીમાં જસદણ બેઠક ઉપરથી ચૂંટાઈ આવતાં ભાજપે શિરપાવ આપ્યો હતો અને રાતોરાત કેબિનેટ કક્ષાના પાણી અને પુરવઠા મંત્રી બનાવી દીધા હતા. ભાજપના નેતાઓને બેકફૂટ ઉપર મૂકીને ભાજપે કોંગ્રેસનું ગોત્ર ધરાવતા આ સિવાય અનેક નેતાઓને પોંખ્યા હતા.જાેકે,રૂપાણી સરકાર ગઈ અને એ સાથે કુંવરજી બાવળિયાનું મંત્રીપદ પણ ગયું હતું. નવી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પોતાને મંત્રીપદ મળશે તેવી પાક્કી આશા રાખીને બેઠેલા બાવળિયાને નિરાશા હાથ લાગી હતી.
જોકે,આ બધાની વચ્ચે દિલ્હી આલા કમાને સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી કે, મંત્રીપદ ન મળે તો કોઈએ બગાવતી સૂર કાઢવા નહી. આ ચેતવણી હોવા છતાં પણ બાવળિયાની દિલની વાત હોઠો સુધી આવી ચૂકી હતી અને 2022માં મને ટિકીટ મળશે તેવો બળાપો પણ કાઢ્યો હતો. આ સિવાય તેમણે પોતાના મત વિસ્તારમાં વિકાસના કોઈ કામો ન થતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને 50જેટલા વિવિધ કામોની યાદી બનાવી હતી અને એક રીતે ભાજપના નેતા હોવા છતાં પણ તેઓ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હતા. પોતાના વિરોધના સૂરને ભાજપના મોવડી મંડળે નજર અંદાજ કરતાં હવે તેમના સૂર ઢીલા પડ્યા છે અને હવે તેઓ કહી રહ્યા છે કે, હું મંત્રી હતો ત્યારે પણ વિકાસના કામ થતા હતા અને હું મંત્રી નથી ત્યારે પણ વિકાસના કામ થઈ રહ્યા છે.

