વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા એક યુવાન સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. મોબાઈલમાં અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ ફોન હેંગ થવા લાગ્યો હતો અને ત્યારબાદ Google Pay UPI મારફતે બેંક ખાતામાંથી રૂ.98,000 ઉપડી ગયા હતા. આ મામલે ભોગ બનનારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, કેરાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા વાહિદહુશેન રહીમભાઈ માથકિયા (ઉ.વ.35)એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના દીકરાએ મોબાઈલમાં વીડિયો જોયા બાદ ફોન અચાનક હેંગ થવા લાગ્યો હતો. ત્યારબાદ મોબાઈલમાં કોઈ અજાણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થયેલી હોવાનું સામે આવ્યું હતું. આ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કર્યા બાદ પણ અજાણ્યા શખ્સે મોબાઈલ હેક કરીને તેમના ICICI બેંક ખાતા સાથે જોડાયેલા Google Pay UPI મારફતે તેમની જાણ બહાર કુલ રૂ.98,000ના ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા હતા.
આ રીતે અજાણ્યા શખ્સે છેતરપિંડી આચરી બેંક ખાતામાંથી નાણાંની ઉચાપત કરતાં ભોગ બનનારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
