અમદાવાદ,બુધવાર
રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ મુખ્ય માર્ગો પર અકસ્માતની ચાર દુર્ઘટનાઓમાં 7 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે.મધ્ય ગુજરાતમાં બે અને સૌરાષ્ટ્રમાં બે એવી ચાર દુર્ઘટના એક જ દિવસમાં બની છે. જેમાં પોરબંદર-વેરાવળ હાઈ-વે પર બાઈક દુર્ઘટના ઘટી હતી. આ અક્સમાતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. બંને લોકો ઓડદર ગામના હતા. આ ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના વંથલી પાસે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું હતું.જ્યારે એકને ઈજા થઇ હતી. ઘટના પ્રમાણે, જૂનાગઢથી કેશોદ તરફ જઈ રહેલી એક કારને વંથલી પાસે રેતી ભરેલું ડમ્પરે ટકરાયું હતું. મધ્ય ગુજરાતના દાહોદના છેવાડાના વિસ્તાર લીમડીમાં જ અલગ-અલગ ત્રણ અક્સમાત નોંધાયા હતા. જેમાં લીમડીથી લીમખેડા તરફનાં માર્ગ પર વહેલી સવારે 7 થી વધુ વાહનોની ટક્કર થઇ હતી. આ અકસ્માતમા 1 નું મોત અને 8 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.તો ખેડામાં નેશનલ હાઈવે પાસે સર્જાયેલા અકસ્માતમાં એક કાર ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી.જેમાં એક મહિલા સહિત બેના મૃત્યુ થયા હતા.કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાના પણ સમાચાર છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

