વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં બાઈકની ઠોકરથી એક મહિલા પડી જવાના બનાવ બાદ જૂની અદાવત રાખીને બે શખ્સોએ બાઈકચાલક પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગેરેજ સંચાલકને માથાના ભાગે ઈજા થવા ઉપરાંત ડાબા પગની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે તેની સાથે રહેલા મિત્રને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
બનાવ અંગે મળતી વિગતો મુજબ, વાંકાનેરના ચંદ્રપુરમાં રહેતા અને ગેરેજનો વ્યવસાય કરતા સાજીદભાઈ ભીખુભાઈ લાખા (ઉ.વ. 25) ગત તા. 19 નવેમ્બરના રોજ સાંજે પોતાના મિત્ર અરમાનહુશેન દલ સાથે બાઈક પર ટ્રક રિપેરિંગના કામ અર્થે જઈ રહ્યા હતા. દરમિયાન નવાપરા પુલની કટ્ટ પાસે રોડ ક્રોસ કરી રહેલા લાભુબેન મકવાણાને તેમના બાઈકની ઠોકર વાગતાં તેઓ નીચે પડી ગયા હતા.
આ ઘટનાનો ખાર રાખીને લાભુબેનના પુત્ર અને તેની સાથે આવેલી એક અજાણી મહિલાએ સાજીદભાઈ પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને માથામાં ઈજા થઈ હતી અને ડાબા પગની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. હુમલાખોરોએ સાજીદભાઈના મિત્ર અરમાનહુશેનને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


