ટંકારા તાલુકાના હીરાપર ગામના પાટિયા પાસેથી સગીર વયની બાળાને ભગાડી જવાના ગુનામાં લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને આખરે ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ શહેરના માંડા ડુંગર વિસ્તારમાં મજૂરી કામ કરતો આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.
પોલીસ તપાસમાં મળતી વિગતો મુજબ, ગત તા. 18/10/2025ના રોજ હડમતિયા (જંકશન) ગામનો હસમુખ સુરેશભાઈ ચૌહાણ (ઉ.વ. 21) હીરાપર ગામના પાટિયા પાસેથી એક સગીર વયની બાળાને ભગાડી ગયો હતો. આ અંગે ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આરોપી અને ભોગ બનનારની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસની ટીમે રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જ્યાં આરોપી મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળતાં પોલીસે તેને ઝડપી લીધો હતો અને ભોગ બનનાર સગીરાને પણ સુરક્ષિત રીતે કબજામાં લઈ ટંકારા પોલીસ મથકે લાવવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનામાં પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


