HomeGujaratમોરબીના હજનાળી ગામે શક્તિમાતા મંદિરમાં તસ્કરોનો હાથફેરો, રૂ. 9.91 લાખના સોના-ચાંદીના દાગીનાની...

મોરબીના હજનાળી ગામે શક્તિમાતા મંદિરમાં તસ્કરોનો હાથફેરો, રૂ. 9.91 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

મોરબી તાલુકાના હજનાળી ગામમાં આવેલા શક્તિમાતા મંદિરમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસને પડકાર ફેંક્યો છે. તસ્કરોએ મંદિરના તાળાં તોડી માતાજીને અર્પણ કરાયેલા સોના-ચાંદીના છતર, મુકુટ સહિત કુલ રૂ.9.91 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી લીધો હતો. ચોરી કરતાં પહેલાં મંદિરના સીસીટીવી કેમેરાના કેબલ કાપી નાખવામાં આવ્યા હતા. જોકે ગામના અન્ય સ્થળે લગાવેલા કેમેરામાં શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર કેદ થતાં પોલીસે ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હજનાળી ગામના રહેવાસી અને શક્તિમાતા મંદિરના પૂજારી હિતેશગીરી મોહનગીરી ગૌસ્વામી ગત 11 નવેમ્બરના રોજ પરિવાર સાથે બહારગામ ગયા હતા. દરમિયાન 16 નવેમ્બરની સવારે ગામના સંજયભાઈએ તેમને ફોન કરીને મંદિરની લાઇટ બંધ હોવાની તેમજ મંદિરના તાળાં અને નકુચા તૂટેલી હાલતમાં પડ્યા હોવાની જાણ કરી હતી. આથી મંદિરની મુલાકાત લેતા ચોરી થયાની હકીકત સામે આવી હતી.

મંદિરમાં તપાસ દરમિયાન ગર્ભગૃહમાં રાખવામાં આવેલું માતાજીનું આશરે 2 કિલો વજનનું છતર, જેની કિંમત રૂ.1.75 લાખ જેટલી હતી, તે ગાયબ હોવાનું જણાયું હતું. ઉપરાંત રૂ.87,500ની કિંમતનું એક કિલો વજનનું નાનું છતર પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત મંદિરના ત્રિશૂળ પાસેનું છતર, ચાંદીનાં પાંચ નાનાં-મોટાં છતર અને માતાજીને અર્પણ કરવામાં આવેલો રૂ.1.10 લાખથી વધુ કિંમતનો મુકુટ પણ ચોરી થયો હતો.

આમ, તસ્કરોએ મંદિરને નિશાન બનાવી સોના-ચાંદીની કિંમતી ધાર્મિક વસ્તુઓ સહિત કુલ રૂ.9.91 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. ઘટનાને અંજામ આપતા પહેલાં તસ્કરોએ મંદિરના સીસીટીવી કેમેરાના કેબલ કાપી નાખ્યા હતા, જેથી તેમની કરતૂત કેમેરામાં રેકોર્ડ ન થાય. જોકે ગામના અન્ય સ્થળે લગાવેલા સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ શખ્સોની મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસેની અવરજવર નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે પૂજારી હિતેશગીરી ગૌસ્વામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW