મોરબીના જેતપર રોડ પર હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. રસ્તો ઓળંગી રહેલી 38 વર્ષીય મહિલાને પૂરઝડપે આવતા ટ્રકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, મૂળ ઓડિશા રાજ્યના મયુરભંજ જિલ્લાના વતની અને હાલ મોરબીના બેલા ગામની સીમમાં આવેલી ઇટાલેક સિરામિકની લેબર કોલોનીમાં રહેતા હરીશભાઈ યતિશ્વર નાયકના પત્ની સુનીતાબેન (ઉંમર 38 વર્ષ) ગત બપોરે આશરે 1 વાગ્યાના અરસામાં જેતપર રોડ પર પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતા.
તે દરમિયાન GJ-12-AT-8298 નંબરનો ટ્રક પૂરઝડપે આવી પહોંચ્યો હતો અને સુનીતાબેનને જોરદાર ટક્કર મારી હડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતકના પતિ હરીશભાઈ નાયકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ફરાર ચાલકને શોધવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.


