અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરને મળશે નવી ગતિ; 24.51 કિમીના માર્ગ પર એક ફ્લાયઓવર, 3 અંડરપાસ અને 2 રેલવે ઓવરબ્રિજ બનશે
મોરબી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને ગુજરાતના મોરબી જિલ્લાના માળિયા-પીપળીયા વિભાગમાં નેશનલ હાઈવે-151Aને 6-લેન બનાવવાની રૂ. 1,182.40 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી આપી છે.
અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર અંતર્ગત આવતા 24.51 કિલોમીટર લાંબા આ માર્ગને 6-લેન બનાવવામાં આવશે. હાલમાં આ માર્ગ 2-લેનનો છે અને અહીં વાહનોની ભારે અવરજવર રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
પ્રોજેક્ટ અંતર્ગત બાયપાસ, કોંક્રિટ સર્વિસ રોડ, એક ફ્લાયઓવર, ત્રણ વાહન અંડરપાસ (VUP) અને બે રેલવે ઓવરબ્રિજ (ROB)નું નિર્માણ કરવામાં આવશે.
નિતિન ગડકરીએ પોસ્ટમાં જણાવ્યું છે કે આ માર્ગ નવલખી બંદર અને અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર માટે મહત્ત્વપૂર્ણ કડી સાબિત થશે. માર્ગની કનેક્ટિવિટી સુધરવાથી નવલખી બંદર, આસપાસનાં ઔદ્યોગિક એકમો તેમજ મોરબી જિલ્લાના ઔદ્યોગિક અને કૃષિ વિસ્તારોને મોટો લાભ મળશે.
આ માર્ગ 6-લેન બનવાથી મુસાફરીનો સમય ઘટશે, વાહનોના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે અને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. ઉપરાંત નવલખી બંદરથી માલસામાનની હેરફેર વધુ ઝડપી બનશે. ભારતની બે સૌથી મોટી રિફાઇનરીઓમાંથી ઉત્તર ભારતનાં રાજ્યો સુધી પેટ્રોલિયમ પેદાશો પહોંચાડવામાં પણ આ માર્ગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પ્રોજેક્ટથી મોરબી-રાજકોટ વિસ્તારના ઔદ્યોગિક વિકાસ, વેપાર-વાણિજ્ય, લોજિસ્ટિક્સ અને પરિવહન વ્યવસ્થાને નવી ગતિ મળવાની આશા છે.


