સમાજસેવા અને માનવતાના ઉમદા હેતુ સાથે મોરબીમાં ટૂંક સમયમાં ‘રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર’ શરૂ થવા જઈ રહ્યું છે. પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામના પ્રમુખ સેવક કિરીટભાઈ પટેલની પુત્રી ફાર્માસિસ્ટ દ્રષ્ટિ પટેલ અને તેમની ટીમ દ્વારા આ સેવાકીય પહેલ કરવામાં આવી રહી છે.
આ પહેલ અંતર્ગત પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ૧૧૧ દીકરીઓ અને તેમના પરિવારોને કોઈપણ પ્રકારની બીમારીની દવાઓ એકપણ રૂપિયાના નફા વગર માત્ર પડતર કિંમતે (કોસ્ટ ટુ કોસ્ટ) ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોંઘી દવાઓના ખર્ચને કારણે પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
હાલમાં મોરબી શહેરમાં રહેતી પિતા વિહોણી દીકરીઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન માટે દીકરીઓએ પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ સાથે હાલમાં પોતાની સાથે રહેતા પરિવારના સભ્યોનાં નામ અને સંપૂર્ણ સરનામું લખીને તેનો ફોટો મેડિકલ સેવા કેન્દ્રના વોટ્સએપ નંબર 96871 25111 પર મોકલવાનો રહેશે. રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
આ ઉપરાંત સામાન્ય જનતા માટે પણ રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર ખાતે તમામ પ્રકારની દવાઓ, સર્જિકલ સામગ્રી તેમજ કોસ્મેટિક પ્રોડક્ટ્સ રામ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સેવાકીય કેન્દ્ર મહેશ હોટેલ સામે, ઉમિયા મોબાઈલની બાજુમાં, સનાળા રોડ, મોરબી ખાતે શરૂ થવાનું છે. ભવિષ્યમાં ૧૧૧ દીકરીઓની સંખ્યામાં વધારો કરવાનો પણ આયોજકોનો પ્રયાસ રહેશે.
સમાજની જરૂરિયાતમંદ દીકરીઓ અને તેમના પરિવારોને આરોગ્યલક્ષી આર્થિક રાહત મળે તેવા ઉમદા આશય સાથે શરૂ થનારી આ પહેલ ખરેખર સરાહનીય છે. **’સેવા એ જ સત્કર્મ’**ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.
.


