મોરબી શહેરના સલાટવાસ વિસ્તારમાં રીજન્ટ હોટેલની બાજુમાં આવેલા એક રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ચપલાનો મળી કુલ 31 નંગ જથ્થો કબજે કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 23,738થાય છે.
બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે સલાટવાસ, રીજન્ટ હોટેલની બાજુમાં રહેતા ખુશાલભાઈ રૂડાભાઈ પરમારના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, દરોડા દરમિયાન મકાનમાલિક ખુશાલભાઈ હાજર મળી આવ્યા ન હતા. જેથી પોલીસે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
