મોરબી શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી બે મોબાઈલ દુકાનોમાં તપાસ દરમિયાન એસ.ઓ.જી. અને એ.આર.સી. સેલની ટીમે અલગ-અલગ કંપનીના કુલ 42 મોબાઈલ ફોન કબજે કર્યા છે. અંદાજે રૂ. 21 હજારની કિંમતના આ મોબાઈલ ફોન અંગે દુકાનધારકો પાસે બિલ કે અન્ય આધાર-પુરાવા ન મળી આવતાં પોલીસે બે દુકાનધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. અને એ.આર.સી. સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન રેલવે સ્ટેશન રોડ પર આવેલી નિલકંઠ મોબાઈલ અને શિવશક્તિ એસેસરીઝ નામની બે દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને દુકાનોમાંથી વિવિધ કંપનીના કુલ 42 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ મોબાઈલ ફોનના બિલ તથા માલિકી અંગેના આધાર-પુરાવા માંગવામાં આવતાં દુકાનધારકો તે રજૂ કરી શક્યા નહોતા.
આથી પોલીસે ચોરી કે છળકપટથી મેળવેલા હોવાની શંકાના આધારે રૂ. 21 હજારની કિંમતના તમામ 42 મોબાઈલ ફોન બી.એન.એસ.એસ.ની કલમ 106(1) હેઠળ કબજે કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ગજેન્દ્રસિંહ ભોપાલસિંહ ધવેશા, રહે. લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, સામાકાંઠે, મોરબી અને વિષ્ણુભાઈ સમનારામજી ચૌધરી, રહે. વાવડી રોડ, ગાયત્રીનગર, હરિ પાર્ક સોસાયટી, મોરબીની બી.એન.એસ.એસ.ની કલમ 35(1)(ઈ) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
