મોરબી તાલુકાના રંગપર ગામે તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2,70,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રંગપર ગામે જનકસિંહ ઝાલાના કબજાભોગવટાવાળા બાપા સીતારામ પાણીના ફિલ્ટર પ્લાન્ટની ઓરડીમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પર તપાસ કરતાં છ શખ્સો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે જનકસિંહ કસરૂભા ઝાલા, મુકેશભાઈ બચુભાઈ દેસાઈ, મગનભાઈ ભુદરભાઈ લોરીયા, રમેશભાઈ છગનભાઈ કાલરીયા, શંકરભાઈ અંબારામભાઈ દેત્રોજા અને પીરૂભાઈ પ્રભુભાઈ કૈલાને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ પાસેથી રૂ. 1,75,400ની રોકડ રકમ અને છ મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. 95,000 હોવાનું જણાવાયું છે, મળી કુલ રૂ. 2,70,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
