મોરબીમાં સસ્તા ભાવે કોપરનો ભંગાર આપવાની લાલચ આપી રૂ. 15.68 લાખથી વધુની છેતરપિંડી કરવાના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે કાર્યવાહી કરી છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ઠગાઈની રકમમાંથી રૂ. 10.50 લાખ જેટલી રકમ રિકવર કરવામાં સફળતા મેળવી હતી.
આ મામલે કાયદેસરની કાર્યવાહી બાદ નામદાર કોર્ટના આદેશ અનુસાર પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ રિકવર કરવામાં આવેલી રકમ ફરિયાદી અને સાહેદને પરત સોંપવામાં આવી છે. આ કામગીરીથી ભોગ બનેલા લોકોને તેમની ગુમાવેલી રકમનો એક ભાગ પરત મળ્યો છે.
સાયબર ક્રાઈમ પોલીસે નાગરિકોને સસ્તા ભાવે માલસામાન આપવાની લાલચ આપતી ઓફરો તેમજ આકર્ષક ઓનલાઈન જાહેરાતોથી સાવચેત રહેવા અપીલ કરી છે. કોઈપણ અજાણી વ્યક્તિ કે સંસ્થા પર વિશ્વાસ કરતાં પહેલાં તેની ખરાઈ કરવા અને લોભામણી ઓફરના આધારે નાણાંની લેવડદેવડ ન કરવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.
