મોરબીમાં મચ્છુ નદીના કિનારે નિર્મિત ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શરદ પૂર્ણિમાના પાવન દિવસે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી નિર્માણ પામેલા ગુલાબી પથ્થરના આ ભવ્ય મંદિરમાં વિવિધ દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.
મહોત્સવના ભાગરૂપે ૨૪ ઓક્ટોબર, શનિવારના રોજ બપોરે ૩થી સાંજે ૭ વાગ્યા સુધી મોરબીના મુખ્ય માર્ગો પર ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં વિવિધ આકર્ષક રથોમાં બિરાજમાન ભગવાનનાં દર્શન કરવાનો લાભ ભાવિકોને મળશે.
શોભાયાત્રામાં મચ્છુ રથ, હંસ રથ, મયુર રથ, કૈલાસ રથ, સૂર્ય રથ, કુટિર રથ અને કમલ રથ સહિતના રથો સામેલ થશે. તેમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ, નીલકંઠવર્ણી મહારાજ, રાધાકૃષ્ણ ભગવાન, રામ પંચાયતન, શિવ પંચાયતન તેમજ ગુણાતીત ગુરુપરંપરાની દિવ્ય મૂર્તિઓ બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપશે.
શોભાયાત્રાનો રૂટ અને સમય
- સમય: બપોરે ૩:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી
- પ્રારંભ સ્થળ: રામેશ્વર પાર્ટી પ્લોટ
- માર્ગ: ગોલ્ડન માર્કેટ → કેપિટલ માર્કેટ → બાપા સીતારામ ચોક → ગાંધી ચોક (MMC) → નહેરૂ ગેટ → પોસ્ટ ઓફિસ → શક્તિ ચોક (કોઝ-વે)
- પૂર્ણાહુતિ: BAPS સ્વામિનારાયણ મંદિર, મોરબી-૨
આ પાવન પ્રસંગને લઈને આયોજકો દ્વારા મોરબીના તમામ ભાવિક નગરજનોને શોભાયાત્રામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. શોભાયાત્રા પોતાના વિસ્તાર કે રહેણાક પાસે પહોંચે ત્યારે દુકાનો, શો-રૂમ, ઓફિસ અને મકાનોની બહાર આવી રથમાં બિરાજમાન ભગવાન પર પુષ્પવર્ષા કરી તેમજ આરતી ઉતારી ભાવભેર સ્વાગત કરવા નગરજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મૂર્તિપ્રતિષ્ઠાના આ મહોત્સવ અને ભવ્ય શોભાયાત્રા થકી મોરબીમાં ભક્તિ, શ્રદ્ધા અને સનાતન સંસ્કૃતિના ઉત્સવમય માહોલનું નિર્માણ થવાની અપેક્ષા છે.
