પિતા વિહોણી હજારો દીકરીઓના પાલક પિતાની જવાબદારી નિભાવનાર મહેશ સવાણીને કોણ નહીં જાણતું હોય? દીકરીઓના પાલક પિતા બનીને કન્યાદાન કરનાર મહેશભાઈ સવાણી તથા પી.પી.સવાણી પરિવાર તરફથી આ વર્ષે પણ ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે અંતરાલ પડ્યો હતો, પરંતુ આ વર્ષે ફરીએક વખત આ સમુહ લગ્નનું આયોજન કરાયું છે. આવનારી તા.4 અને તા.5 ડીસેમ્બરે પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી 300 દીકરીઓના લગ્નનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે.
“ચૂંદડી મહિયરની” નામે આ આયોજન થયું છે. આ વર્ષે માત્ર હિન્દુ જ નહીં પરંતુ, મુસ્લિમ, શીખ અને અન્ય ધર્મની એમ ચારેય ધર્મની દીકરીઓના એમના ધર્મની વિધિ અનુસાર લગ્ન કરાવવાની જવાબદારી પાલક પિતા મહેશ સવાણીએ લીધી છે. આ વર્ષે 300 દીકરીઓ પૈકીની 103 દીકરીઓ તો એવી છે કે જેનો કોઈ પરિવાર નથી. નથી પિતા કે નથી મોટા ભાઈ.
નથી એવો કોઈ આશરો. એવી દીકરીઓનું કન્યાદાન સમુહ લગ્નમાં મહાનુભાવોના હસ્તે થશે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી 4446 દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પી.પી.સવાણી પરિવાર આજ સુધીમાં આશરે 3000 જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યા છે. દીકરીને પોતીકું લાગે અને એના લગ્ન વિશેના તમામ સપના પુરા થાય એવી તમામ વ્યવસ્થા કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવો લગ્ન સમારોહ એક દાયકાથી વધુ સમયથી થતો આવ્યો છે. કોવીડ-19ની મહામારીમાં સેવા આપનાર 52 (બાવન) સંસ્થાના પ્રમુખ –ઉપપ્રમુખ, ડોક્ટર, વકીલ, સી.એ અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓના હસ્તે કન્યાદાન થશે.

એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ, રમેશભાઈ અને રાજુભાઈએ “ચૂંદડી મહિયરની” લગ્ન સમારોહના વિશે વાત કરતા કહ્યું હતું કે, કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે.

