આઇ.જી.પી. સરહદી રેન્જ, ભુજ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે હાથ ધરવામાં આવેલી વિશેષ ડ્રાઇવ અંતર્ગત મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડને સફળતા મળી છે. પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ, નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ટેકનિકલ માધ્યમો, હ્યુમન સોર્સિસ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી દશરથભાઈ અનકભાઈ ખાચર, રહે. નળખંભા, તા. થાન, જી. સુરેન્દ્રનગરને મોરબીના નટરાજ રેલવે ફાટક નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની અટકાયત કર્યા બાદ તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.


